News of Monday, 31st August 2026
સુપ્રીમ કોર્ટના જજ બનવાનું ભારે પડ્યું: મહાઠગ સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ફટકારી ૮ વર્ષની સખત કેદની સજા
જામીન અરજી પ્રભાવિત કરવા ન્યાયાધીશની નકલ અને ધમકી આપવાના કેસમાં તીસ હજારી કોર્ટનો મોટો ફેંસલો; રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ ફટકારાયો

દિલ્હી, તા.૩૧: પોતાને સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ ગણાવીને બીજા ફોજદારી કેસમાં જામીન પ્રક્રિયા પર દબાણ લાવવા અને ન્યાયિક પ્રણાલીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરનાર કથિત મહાઠગ સુકેશ ચંદ્રશેખર સામે દિલ્હીની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. તીસ હજારી કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષિતા મિશ્રાની અદાલતે સુકેશ ચંદ્રશેખરને આ કેસમાં ગુનેગાર ઠેરવીને કુલ ૮ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદો ૨૯ ઓગસ્ટના રોજ સંભળાવવામાં આવ્યો હતો, જેની વિગતો સોમવારે સાર્વજનિક કરવામાં આવી હતી.
અદાલતે આરોપી સુકેશને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ આકરો દંડ અને જેલની સજા સંભળાવી છે. જેમાં કલમ ૧૭૦ (સરકારી કર્મચારીનો ઢોંગ કરવો) હેઠળ બે વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦નો દંડ, કલમ ૧૮૯ (લોકસેવકને નુકસાન પહોંચાડવાની ધમકી આપવી) હેઠળ વધુ બે વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦નો દંડ તેમજ કલમ ૫૦૭ (અનામી સંદેશ દ્વારા ધમકી આપવી) હેઠળ ચાર વર્ષની સખત કેદની સજાનો સમાવેશ થાય છે.
ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે જાહેર સંસ્થાઓ અને ફોજદારી ન્યાય પ્રણાલીની મર્યાદા જાળવવાની ગંભીરતા પર વિશેષ ભાર મૂક્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં સખત શબ્દોમાં અવલોકન કર્યું હતું કે, "સજા એવી હોવી જોઈએ જેથી સ્પષ્ટ સંદેશ જાય કે ફોજદારી ન્યાય પ્રણાલી કોઈ એક સામાન્ય ગેરકાયદેસર કૃત્ય અને જાહેર સંસ્થાઓના કાયદેસરના કામકાજને ડરાવીને, ચાલાકીથી કે ઇરાદાપૂર્વક ખોરવવાનો પ્રયાસ કરવા વચ્ચેનો તફાવત સારી રીતે સમજે છે." ન્યાયતંત્રની ગરિમા સાથે રમત કરનાર ઠગ સામે કોર્ટનો આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
