<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિકની નોટોનું આગમન: RBI એ સપ્લાયર કંપનીઓ માટે જાહેર કરી અત્યંત કડક શરતો; ચીન-પાકિસ્તાન કનેક્શન પર પ્રતિબંધ

પ્રાણીઓની ચરબી કે DNA મુક્ત પોલિમર નોટો જ ચલાવાશે; કાગળની જૂની નોટો પણ ચલણમાં રહેશે ચાલુ

મુંબઈ, તા.૩૧: ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશના નાણાકીય ક્ષેત્રે એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. કાગળની નોટોની સરખામણીએ વધુ ટકાઉ, વોટરપ્રૂફ અને લાંબા આયુષ્ય ધરાવતી 'પ્લાસ્ટિક (પોલિમર) કરન્સી નોટો' ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઉતારવાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. RBI ની પેટાકંપની 'ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન પ્રાઇવેટ લિમિટેડ' (BRBNMPL) દ્વારા આ પ્રોજેક્ટ માટે વૈશ્વિક સ્તરે 'ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ' (EOI) બહાર પાડવામાં આવ્યું હતું, જેની મુદત ઓગસ્ટ ૨૦૨૬માં પૂર્ણ થઈ ચૂકી છે. આ બિડિંગ પ્રક્રિયામાં બે વિદેશી કંપનીઓ ઉપરાંત યુકેની જાણીતી 'ડે લા રુ' (De La Rue) સાથે ભાગીદારી ધરાવતી ભારતીય ફર્મે બોલી લગાવી છે.

 

જોકે, દેશની નાણાકીય સુરક્ષા અને લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને RBI એ ટેન્ડર ભરનારી કંપનીઓ સામે ત્રણ અત્યંત કડક શરતો મૂકી છે. સૌપ્રથમ, દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપતા બોલી લગાવનાર કંપનીનો ચીન કે પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ કે સપ્લાય ચેઈન લિંક ન હોવી જોઈએ, જે અંગે કંપનીઓએ વિશેષ ગોપનીયતા કરાર કરવો પડશે. બીજું, અગાઉ યુકેમાં પોલિમર નોટોમાં પ્રાણીની ચરબીના ઉપયોગ સામે વિરોધ થયો હતો, તેને ધ્યાને રાખીને સપ્લાય થનારી પોલિમર શીટ્સ સંપૂર્ણપણે પ્રાણીની ચરબી કે પ્રાણીના DNA મુક્ત હોવાની લેખિત બાંયધરી માગવામાં આવી છે. ત્રીજું, ભારતના વિવિધ પ્રદેશોના વિષમ હવામાન અને તાપમાનમાં ટકી શકે તે માટે સેમ્પલ્સનું આકરું પરીક્ષણ કરવામાં આવશે.

 

નાગરિકોની સુવિધા માટે RBI એ સ્પષ્ટતા કરી છે કે નવી પ્લાસ્ટિક નોટો લાવવાનો મુખ્ય હેતુ નોટોનું આયુષ્ય વધારવાનો અને નકલી નોટોના દૂષણને સંપૂર્ણપણે અટકાવવાનો છે. પ્લાસ્ટિક નોટો આવ્યા બાદ પણ હાલમાં ચાલતી કાગળની નોટો બંધ કરવામાં આવશે નહીં અને બંને પ્રકારની નોટો એકસાથે બજારમાં માન્ય રહેશે.

(3:49 PM IST)