હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિંધુ જળ સંધિ મુદ્દે મધ્યસ્થતા અદાલતનો નિર્ણય અસ્વીકાર્ય : સિંધુ જળ સંધિ પર ભારતનો કડક જવાબ : પાકિસ્તાનની આકાંક્ષાઓને ફટકો
વિદેશ મંત્રાલયે ગેરકાયદેસર રચાયેલી સંસ્થાના કોઈપણ નિર્ણયને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરતા જળવિદ્યુત પ્રોજેક્ટ્સનું કામ ચાલુ રાખવાની જાહેરાત કરી

નવી દિલ્હી: સિંધુ જળ સંધિ ને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ખેંચતાણમાં ભારતે ફરી એકવાર અત્યંત મજબૂત અને કડક વલણ અપનાવ્યું છે. કહેવાતી મધ્યસ્થતા અદાલત દ્વારા સિંધુ જળ સંધિ અને પશ્ચિમી નદીઓ પરના ભારતીય હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર આપવામાં આવેલા તાજેતરના નિર્ણયોને ભારતે સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી ફગાવી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત આ કોર્ટની કાયદેસરતાને જ માન્યતા આપતું નથી, કારણ કે તેની રચના સંધિની મૂળ જોગવાઈઓ અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી.
અદાલતે પોતાના આદેશમાં જમ્મુ-કાશ્મીરમાં રતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (RHEP) ના ડેમ સંબંધિત નિર્માણ કાર્ય પર જુલાઈ 2027 માં તટસ્થ નિષ્ણાતના અંતિમ નિર્ણય સુધી ચોક્કસ મર્યાદા સુધી રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે તે આ અનધિકૃત સંસ્થા સમક્ષ ક્યારેય પણ હાજર થયું નથી અને તેના કોઈપણ વર્તમાન કે ભવિષ્યના આદેશોથી ભારત પર કોઈ શરત લાગુ થશે નહીં. વિદેશ મંત્રાલયના મતે વિશ્વ બેંક દ્વારા સંધિના નિયમોથી બહાર જઈને આ કોર્ટની રચના કરવામાં આવી હતી, જેથી તેના નિર્ણયોની ભારતના સાર્વભૌમ અધિકારો પર કોઈ કાનૂની કે રાજદ્વારી અસર પડશે નહીં.
ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો તેનો નિર્ણય યથાવત છે અને દેશના જળવિદ્યુત તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કોઈ પણ અવરોધ વિના નિર્ધારિત સમયે જ પૂર્ણ કરવામાં આવશે. આ કડક સંદેશથી પાકિસ્તાનની એ આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં તે આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ કરીને ભારતના પ્રોજેક્ટ્સ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ભારત સરકારે સાફ કરી દીધું છે કે દેશની જળ સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલા નિર્ણયો કોઈપણ ગેરકાયદેસર સંસ્થાના મૌખિક કે લેખિત આદેશોથી પ્રભાવિત થશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
