<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

પુરીના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ઉંદરોનો ઉત્પાત: ભગવાનના પવિત્ર વસ્ત્રો કોતરી નાખતા તંત્ર ચિંતામાં; જીવદયા સાથે ઉંદરોને પકડવા મુકાયા ખાસ પાંજરા!

ગર્ભમાં હિંસા કે ઝેર આપવા પર સખત મનાઈ હોવાથી પરંપરાગત પદ્ધતિથી ઉંદર અને વંદાઓને જીવતા પકડીને બહાર છોડાશે: ગોળ અને ચીકણા પદાર્થોથી ભરેલી માટીની મટકીઓનો પ્રયોગ

પુરી : ઓડિશાના પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિર પુરીClick to open side panel for more informationના ગર્ભમાં ઉંદરો અને વંદાઓના વધતા જતા ત્રાસને કારણે મંદિર પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. ૧૨મી સદીના આ ઐતિહાસિક મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને માતા સુભદ્રાના પવિત્ર અને કિંમતી વસ્ત્રો તથા ચઢાવવામાં આવતા પુષ્પોને ઉંદરો કોતરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે મંદિર પ્રશાસને અહિંસક અને પરંપરાગત પેસ્ટ કંટ્રોલ પદ્ધતિ અપનાવીને ઉંદરોને જીવતા પકડવા માટે ખાસ પાંજરા અને છટકાં ગોઠવવાનું શરૂ કર્યું છે.

 

મંદિરમાં જીવહિંસા પર પૂર્ણ પ્રતિબંધ

મંદિરના કડક નિયમો અને પરંપરા અનુસાર ગર્ભમાં અથવા મંદિર પરિસરમાં કોઈપણ જીવ-જંતુની હત્યા કરવા કે ઝેરી દવાઓ-સ્પ્રેનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ છે. કેમિકલ કે ઝેરના ઉપયોગથી જો કોઈ ઉંદર ગર્ભમાં જ મરી જાય તો મંદિરની પવિત્રતા ભંગ થાય છે અને ધાર્મિક વિધિઓ અટકી પડે છે. આ જ કારણોસર શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય વહીવટદાર અરવિંદ પઢી અને પુરીના કલેક્ટર દિવ્ય જ્યોતિ પરીડાએ બેઠક યોજીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સાથે ચર્ચા કર્યા બાદ પરંપરાગત દેશી ઉપાયો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

 

ગોળથી ભરેલા માટીના વાસણો અને રૂટ બ્લોકિંગ

મંદિર પ્રશાસન દ્વારા ઉંદરો અને વંદાઓને પકડવા માટે ગર્ભમાં ગોળ અને અન્ય ચીકણા પદાર્થોથી લેપ કરેલી માટીની મટકીઓ મુકવામાં આવી રહી છે, જેથી વંદાઓ અને કીટો તેમાં ફસાઈ જાય. આ સિવાય ગર્ભમાં જે રસ્તેથી ઉંદરો અને અન્ય કીટો પ્રવેશ કરે છે તે તમામ માર્ગોને બ્લોક કરવામાં આવી રહ્યા છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન જ્યારે ભક્તોની અવરજવર ઓછી હતી ત્યારે ઉંદરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો હતો અને હવે ફરીથી તેમની સંખ્યા વધતા આ પગલાં લેવા પડ્યા છે.

 

મહાપ્રસાદને કારણે વર્ષોથી રહે છે જીવો

જગન્નાથ સંસ્કૃતિના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મંદિરના નિયમ સંગ્રહ (રેકોર્ડ ઓફ રાઈટ્સ) માં ઉંદર, વાંદરા અને વાગળ જેવા પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો તેની સ્પષ્ટ જોગવાઈઓ છે. મંદિરમાં દરરોજ મોટી માત્રામાં મહાપ્રસાદ બનતો હોવાથી કેટલાક પ્રાણીઓ અને જીવો પેઢીઓથી પરિસરમાં રહે છે. નિયમ મુજબ નિયુક્ત સેવકો આ ઉંદરોને જીવતા પકડીને મંદિર પરિસરથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકશે.

(6:16 PM IST)