<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

અમેરિકાના ન્યૂયોર્કમાં ત્રિરંગાનું ઘોર અપમાન : મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક હરકત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક ચેતવણી

આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું : ભારતનું અપમાન કરનારા દેશદ્રોહીઓને આ હરકત ભારે પડશે અને આ ભૂલ ખૂબ મોંઘી સાબિત થશે

ન્યૂયોર્ક :  અમેરિકાના પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક શહેર સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડનની બહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ અંતર્ગત યોજાયેલા 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમ દરમિયાન ભારત વિરોધી અને ખાલિસ્તાની સમર્થકો દ્વારા શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' (SFJ) સાથે સંકળાયેલા ઉપદ્રવીઓએ કાર્યક્રમની બહાર વિરોધ પ્રદર્શનના નામે રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને પગમાં બાંધીને ફાડી નાખ્યો હતો તથા RSS પ્રમુખ મોહન ભાગવતના કટઆઉટને જૂતાની માળા પહેરાવી રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક શબ્દોમાં ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કે વિદેશમાં સરકાર, ભાજપ કે RSSની ટીકા કરવાની સ્વતંત્રતા ચોક્કસ છે, પરંતુ રાષ્ટ્રધ્વજ અને ભારત દેશનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તેમણે ઉમેર્યું કે ભારતનું અપમાન કરનારા દેશદ્રોહીઓને આ હરકત ભારે પડશે અને આ ભૂલ ખૂબ મોંઘી સાબિત થશે.

બિઝનેસ અને સામાજિક ક્ષેત્રના હજારો ભારતીય પ્રવાસીઓ જ્યારે મેડિસન સ્ક્વેર ગાર્ડન અંદર 'વસુધૈવ કુટુંબકમ' નો સંદેશ સાંભળી રહ્યા હતા, ત્યારે બહાર વિરોધીઓએ પોતાની હતાશા વ્યક્ત કરી હતી. ન્યૂયોર્ક શહેરમાં બનેલી આ ઘટના બાદ ભારત સરકાર હવે અમેરિકી સત્તાવાળાઓ સમક્ષ વિરોધ નોંધાવીને આ શરમજનક કૃત્યમાં સામેલ તમામ આતંકવાદી તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

(6:29 PM IST)