News of Monday, 31st August 2026
"ભારતના પતનની આશંકા રાખનારા ફરી ખોટા સાબિત થયા..." 7.8% GDP વૃદ્ધિ પર પીએમ મોદીનો વિરોધીઓને સણસણતો જવાબ
વૈશ્વિક તેલ સંકટ, ઊર્જાના આંચકા અને સપ્લાય ચેઇનની ભારે અનિશ્ચિતતાઓ છતાં આરબીઆઈના તમામ અંદાજોને પછાડી ભારતે પ્રથમ ક્વાર્ટરમાં હાંસલ કર્યો ઐતિહાસિક આર્થિક ઉછાળો : 140 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિની જીત

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં 7.8 ટકાનો જબરદસ્ત વાસ્તવિક GDP ગ્રોથ રેટ હાંસલ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ શાનદાર સિદ્ધિ પર દેશને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મજબૂત સંદેશ આપ્યો છે કે, "ભારતના પતનની આગાહીઓ અને આશંકાઓ સેવનારા વિવેચકો ફરી એકવાર ખોટા સાબિત થયા છે." વડાપ્રધાને ઉમેર્યું કે આર્થિક મોરચે મળેલી આ ઐતિહાસિક સફળતા 140 કરોડ દેશવાસીઓની અથાક મહેનત અને દેશની સામૂહિક શક્તિનું ઉત્કૃષ્ટ પરિણામ છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા 6.9 ટકાના દર સામે આ વર્ષે 0.9 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ક્વાર્ટર માટે 7.0 ટકાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાએ તમામ ગણતરીઓને પાછળ છોડી દીધી છે. આ આર્થિક ઉછાળામાં 10 ટકાના દરે વધેલા સર્વિસ સેક્ટર અને 12.1 ટકાના દરથી વિસ્ફોટક વૃદ્ધિ નોંધાવનાર આઈટી, ફાયનાન્સ તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રનો મુખ્ય ફાળો રહ્યો છે. આ ઉપરાંત ગૌણ ક્ષેત્રે (ઉત્પાદન) પણ 8.6 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.
દેશમાં રોકાણ અને ગ્રાહક માંગની સ્થિતિ પણ અત્યંત સકારાત્મક જોવા મળી છે. કુલ નિશ્ચિત મૂડી નિર્માણ (GFCF) 11.9 ટકાના દરે વધ્યું છે, જે દર્શાવે છે કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદક સંપત્તિઓમાં માળખાકીય રોકાણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને તેલના બજારમાં વધઘટ વચ્ચે પણ ખાનગી અંતિમ વપરાશ ખર્ચ 7.1 ટકાના દરે વધ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેટલા પડકારો આવે, ભારતની આર્થિક પ્રગતિની યાત્રા અટકવાની નથી અને આગામી ક્વાર્ટર્સમાં પણ આ ગતિ જાળવી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
