<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

"હવે કોઈ આશા નથી બચી, આંદોલન પૂરું કરી દો!": સોનમ વાંગચુકનો મોટો વિસ્ફોટ; 'કોકરોચ પાર્ટી'ના આયોજકો જંતર-મંતર છોડીને ભાગવા માગતા હતા!

દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ નેતાઓનું મનોબળ તૂટ્યું, પણ વિદ્યાર્થીઓના ઝનૂને વિરોધને આપ્યું નવજીવન: આંદોલનના ભારે દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપવું પડ્યું હતું રાજીનામું

નવી દિલ્હી : દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર પર NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે થયેલા આંદોલનને લઈને લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે વાંગચુકે જણાવ્યું કે, આંદોલનનું નેતૃત્વ કરી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના આયોજકો ૨૦ જુલાઈના રોજ દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ એટલા ડરી અને હતાશ થઈ ગયા હતા કે તેઓ વિરોધ પ્રદર્શન તાત્કાલિક પૂરું કરીને સ્થળ પરથી ભાગી જવા માગતા હતા!

 

પોલીસ કાર્યવાહી, તૂટેલું મનોબળ અને ગુપ્ત સંદેશ

શિક્ષણ સુધારા માટે ૨૬ દિવસની ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે તે કાળી રાતને યાદ કરતાં કહ્યું કે, ૨૦ જુલાઈએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સ્ટેજ તોડી પાડવામાં આવ્યું હતું અને તબિયત લથડતા પોલીસે વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે જ સમયે CJP ના મુખ્ય આયોજકોએ હોસ્પિટલમાં તેમનો સંપર્ક કર્યો અને કરગરીને કહ્યું, "હવે કોઈ આશા નથી બચી, અમે અહીંથી ગમે તેમ કરીને બહાર નીકળવા માગીએ છીએ." વાંગચુકે તેમની વિનંતીથી વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાનો સંદેશ પણ તૈયાર કરી લીધો હતો, પરંતુ બાદમાં આ સરેન્ડર મેસેજ જાહેર કરાયો નહોતો.

 

વિદ્યાર્થીઓના જુસ્સાએ આંદોલનમાં પ્રાણ પૂર્યા

નેતાઓ હિમ્મત હારી ગયા હતા પણ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો આક્રોશ હજુ પણ બુલંદ હતો. પોલીસના લાઠીચાર્જ અને નેતાઓની નિરાશા છતાં, બીજા જ દિવસે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફરી જંતર-મંતર પર ઉમટી પડ્યા. વિદ્યાર્થીઓના આ અણનમ જુસ્સાને કારણે આંદોલનમાં નવો પ્રાણ પૂરાયો, જેના પરિણામે સરકાર પર એવું પ્રચંડ દબાણ આવ્યું કે તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

 

શું છે આ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)?

CJP ની સ્થાપના બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અભિજીત દિપકે કરી હતી, જે અગાઉ આમ આદમી પાર્ટી (AAP) ની સોશિયલ મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા. આ ગ્રૂપે સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક મીમ્સ, એનિમેશન અને તીખા મેનિફેસ્ટો દ્વારા યુવા બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓને વાયરલ કર્યા હતા. ૬ જૂનથી શરૂ થયેલા આ વિરોધને ૨૮ જૂને સોનમ વાંગચુકના ભૂખ હડતાળના સમર્થન બાદ દેશવ્યાપી લોકપ્રિયતા મળી હતી.

(6:43 PM IST)