News of Monday, 31st August 2026
દેશમાં ઇસ્લામિક શરિયા કાયદો લાગુ ન થાય ત્યાં સુધી મહિલાઓ અસુરક્ષિત: મૌલાના સાજીદ રશીદીનું અત્યંત વિવાદાસ્પદ નિવેદન
મહિલાઓની સ્વતંત્રતા અને કામ કરવાની સમાનતાને 'કુદરતના નિયમોથી વિરુદ્ધ' ગણાવી : બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ અટકાવવા માટે મહિલાઓને ઘરમાં જ રહેવાની અને પડદાપ્રથા પાળવાની સલાહ આપતા ભારે જનઆક્રોશ

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદીએ દેશમાં વધતા બળાત્કાર અને મહિલા સુરક્ષાના મુદ્દે એક અત્યંત વિવાદાસ્પદ અને આઘાતજનક ટિપ્પણી કરી છે. રશીદીએ દાવો કર્યો છે કે જ્યાં સુધી દેશમાં ઇસ્લામિક શરિયા કાયદો સંપૂર્ણપણે લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશની મહિલાઓ અને બાળકીઓ ક્યારેય સુરક્ષિત રહી શકશે નહીં. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓને ડામવા માટે ઇસ્લામમાં દર્શાવેલી આકરી સજાઓ અને જાહેરમાં મૃત્યુદંડ જેવા કાયદા જ એકમાત્ર ઉકેલ છે.
પોતાના નિવેદનને આગળ વધારતા મૌલાના રશીદીએ સ્વતંત્રતા અને સમાનતાના નામે નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પુરુષો સાથે ખભે-ખભો મિલાવીને કામ કરતી મહિલાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહિલાઓને ઘરમાંથી બહાર કાઢીને કામકાજમાં જોડવી એ 'કુદરતના નિયમોની વિરુદ્ધ' છે. રશીદીના મતે પુરુષોને બહાર જઈ મુશ્કેલીઓનો સામનો કરીને રોજીરોટી કમાવવા માટે કુદરતે મજબૂત બનાવ્યા છે, જ્યારે મહિલાઓનું મુખ્ય કામ ઘરે રહીને બાળકો અને પરિવારની સંભાળ રાખવાનું છે. તેમણે આક્ષેપ કર્યો કે સ્વતંત્રતાના નામે મહિલાઓનું શોષણ કરવા માંગતા લોકોએ જ તેમને ઘરમાંથી બહાર કાઢવાનું ષડયંત્ર રચ્યું છે.
મૌલાના રશીદીએ મહિલાઓની સુરક્ષા માટે ઇસ્લામિક પડદાપ્રથા અને શરિયા આધારિત સજાઓને અત્યંત જરૂરી ગણાવી હતી. તેમણે કહ્યું કે 3 વર્ષની બાળકીથી લઈને 60 વર્ષની મહિલાઓ સુધી વધી રહેલા અપરાધો પાછળ આધુનિકતા અને સ્વતંત્રતાના નામે ઘૂસી ગયેલા દૂષણો જવાબદાર છે. આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા બાદ સામાજિક કાર્યકરો, મહિલા સંગઠનો અને રાજકીય નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા ક્ષેત્રોમાંથી મૌલાના સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી ઊઠી રહી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
