<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

"માતાનું મનોબળ કોઈ પણ સ્પોર્ટ્સ શૂઝ કરતાં વધુ મજબૂત હોય છે!": દીકરીની ફી ભરવા ૪૭ વર્ષીય મહિલાએ સાડી પહેરીને ખુલ્લા પગે દોડી જીતી મેરેથોન!

અન્ય સ્પર્ધકો ટ્રેકસૂટ અને શૂઝમાં દોડતા રહ્યા અને રમાબાઈ ખુલ્લા પગે જીતી ગયા ₹૩,૦૦૦નું રોકડ ઇનામ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માતાના અપ્રતિમ સમર્પણની હૃદયસ્પર્શી વાર્તા

મુંબઈ : "એક માતા પોતાની પુત્રીના ભવિષ્ય માટે કંઈ પણ કરી શકે છે" - આ ઉક્તિને મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ ગામમાં રહેતી ૪૭ વર્ષીય રમાબાઈ રણવીરે સાર્થક કરી બતાવી છે. પોતાની દીકરીની શાળાની ફી ભરવા માટે પૈસા ન હોવાથી આ મક્કમ મનોબળ ધરાવતી માતાએ સ્થાનિક મેરેથોનમાં ભાગ લીધો અને જીત હાંસલ કરીને ₹૩,૦૦૦નું રોકડ ઇનામ પોતાના નામે કર્યું હતું.

 

સાડી અને ખુલ્લા પગે વિરોધીઓને આપી માત

આ દોડ રમાબાઈ માટે કોઈ રમત નહોતી, પરંતુ તેમની પુત્રીના અભ્યાસને બચાવવાનો આખરી ઉપાય હતો. જ્યારે મેરેથોનમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકો મોંઘા સ્પોર્ટ્સ શૂઝ, ટ્રેકસૂટ અને સ્પોર્ટ્સ વેર પહેરીને આવ્યા હતા, ત્યારે રમાબાઈએ કોઈ પણ વિશિષ્ટ તૈયારી વિના પરંપરાગત સાડી પહેરીને અને પગમાં પગરખાં વગર ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું હતું.

 

માતાના દૃઢ નિશ્ચય આગળ રસ્તો પણ નાનો પડ્યો

દોડ શરૂ થતાં જ રમાબાઈએ પોતાની પુત્રીની ફી ભરવાના એકમાત્ર લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખુલ્લા પગે રોડ પર દોડતી વખતે પડતી તકલીફોને બાજુ પર મૂકીને તેમણે તમામ સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વિજેતા બન્યા બાદ જ્યારે તેમને ₹૩,૦૦૦નું રોકડ ઇનામ સોંપવામાં આવ્યું, ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા.

 

સોશિયલ મીડિયા પર સેલ્યુટની સર્જાઈ સુનામી

રમાબાઈની આ જીત માત્ર એક રમતની જીત નથી, પણ એક માતાની મમતા અને અટલ સમર્પણની જીત છે. આ સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો આ વીર માતાને સલામ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે માનો પ્રેમ અને તેની હિંમત આગળ દુનિયાનો મોટામાં મોટો પડકાર પણ નાનો સાબિત થાય છે.

 

(6:49 PM IST)