તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 31st August 2026
મુંબઈ મેટ્રો 7Aમાં 'ડિઝાઇનનો મોટો લોચો': ₹૨૫૦ કરોડ પાણીમાં જવાની ભીતિ, MMRDA અને સિસ્ટ્રા વચ્ચે શરૂ થઈ તીખી 'બ્લેમ ગેમ'!
વિલે પાર્લે ઈસ્ટમાં વાયાડક્ટની ઊંચાઈ મુદ્દે સર્જાયો ભારે ટેકનિકલ વિવાદ: ૧ કિલોમીટરનું બનેલું માળખું તોડી પાડવું પડે તેવી નોબત, ટેક્સપેયર્સના કરોડો રૂપિયા અને સમયનો હિસાબ કોણ આપશે?

મુંબઈ : મુંબઈકરો માટે ટ્રાફિક હળવો કરવાના હેતુથી બની રહેલી મુંબઈ મેટ્રો લાઇન 7Aના નિર્માણમાં ડિઝાઇનની એક એવી મોટી ભૂલ સામે આવી છે, જે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. વિલે પાર્લે ઈસ્ટમાં એરપોર્ટ કોલોની સ્ટેશન નજીક એલિવેટેડ વાયાડક્ટ અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમની ઊંચાઈ નક્કી કરવામાં ભારે ક્ષતિ રહી ગઈ છે. આ ટેકનિકલ ખામીના કારણે પ્રોજેક્ટને અંદાજે ₹૨૫૦ થી ₹૨૬૦ કરોડનું મસમોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
૧ કિલોમીટર લાંબો વાયાડક્ટ તોડવાની નોબત
એરપોર્ટ વિસ્તારમાં લાગુ પડતા નિયમો મુજબ મંજૂર ઊંચાઈ અને OHE માટે જરૂરી વધારાની ઊંચાઈને ધ્યાનમાં રાખ્યા વિના જ ૧ કિલોમીટર લાંબા વાયાડક્ટનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. હવે જો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) તરફથી ઊંચાઈના નિયમોમાં કોઈ છૂટછાટ નહીં મળે, તો આ તૈયાર થઈ ગયેલા ૧ કિલોમીટરના માળખાને તોડીને ફરીથી નવેસરથી બનાવવું પડશે. માત્ર વાયાડક્ટની ઊંચાઈ ઘટાડવાથી ગ્રેડિયન્ટ બદલાઈ શકે છે, જેથી સમગ્ર ડિઝાઈન જ ફરીથી તૈયાર કરવી પડશે.
MMRDA અને કન્સલ્ટન્ટ વચ્ચે 'બ્લેમ ગેમ' શરૂ
આટલી ગંભીર ભૂલ સામે આવ્યા બાદ જવાબદારી સ્વીકારવાના બદલે MMRDA અને પ્રોજેક્ટના જનરલ કન્સલ્ટન્ટ 'સિસ્ટ્રા' વચ્ચે પરસ્પર આરોપ-પ્રત્યાપોરની રમત શરૂ થઈ ગઈ છે. MMRDAનું કહેવું છે કે કન્સલ્ટન્ટે પ્લાનિંગમાં એરપોર્ટ લિમિટ્સ ધ્યાને ન લીધી, જ્યારે સિસ્ટ્રાએ આ ખામી માટે પોતાનો હાથ ઊંચો કરી દીધો છે. આ મામલો સામે આવ્યા બાદ ૨૦૨૫થી આ સંબંધિત ભાગનું કામ રોકી દેવામાં આવ્યું છે. MMRDAના મેટ્રો પ્રોજેક્ટ્સ ડિરેક્ટર બસવરાજ એમ.બી.એ જણાવ્યું છે કે AAIનો અંતિમ ટેકનિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો નિર્ણય લેવાશે.
નાગરિકોને ફરી વેઠવી પડશે ટ્રાફિકની હાલાકી
૩.૪ કિલોમીટર લંબાઈ ધરાવતી મેટ્રો 7A લાઈન અંધેરી ઈસ્ટને એરપોર્ટ અને અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઈન 3 સાથે જોડતી મહત્વની કડી છે. ૨૦૨૧થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ અગાઉથી જ વિલંબમાં ચાલી રહ્યો છે, ત્યારે જો હવે આ માળખું તોડીને ફરી બાંધવામાં આવશે તો પ્રોજેક્ટમાં વધુ વિલંબ થશે જ, સાથે જ રસ્તા પર ફરી બેરિકેડિંગ થવાના કારણે સ્થાનિક નાગરિકોને ફરી એકવાર ગંભીર ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીઓ વેઠવી પડશે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
