<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ભારતમાં ‘એક રાષ્ટ્ર, એક સમય’ નો ઐતિહાસિક અમલ: માર્ચ ૨૦૨૭થી સમગ્ર દેશમાં લાગુ થશે સિંગલ લીગલ IST; જાણો સામાન્ય નાગરિકથી લઈ બેંકિંગ ક્ષેત્ર પર તેની શું થશે અસર!

સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો ૨૦૨૬ કર્યા સૂચિત: હવે વિદેશી GPS સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે દેશનું ડિજિટલ અને વ્યાપારી માળખું NPL અને ISRO ના ચોક્કસ સત્તાવાર સમય સાથે જોડાશે

નવી દિલ્હી : ભારત સરકારે દેશના સમય માપન માળખાને વધુ સુરક્ષિત, ચોક્કસ અને એકસમાન બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. માર્ચ ૨૦૨૭થી સમગ્ર દેશમાં ‘એક રાષ્ટ્ર, એક સમય’ (One Nation, One Time) ની પહેલ હેઠળ ‘કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, ૨૦૨૬’ અમલી બનશે. આ નવા નિયમો અંતર્ગત હવે તમામ સત્તાવાર, કાનૂની, વહીવટી અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે ભારતીય માનક સમય (IST) ને જ એકમાત્ર માન્ય અને સત્તાવાર કાનૂની સંદર્ભ ગણવામાં આવશે.

 

સુધારો સમય ઝોનમાં નહીં, પણ સિસ્ટમની ચોકસાઈમાં છે

મહત્વની વાત એ છે કે આ નિર્ણયથી ભારતનો ટાઈમ ઝોન (UTC+5:30) બદલાશે નહીં અને નાગરિકોના સ્માર્ટફોન કે ઘડિયાળના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં. ખરી ક્રાંતિ પડદા પાછળની ટેકનિકલ સિસ્ટમમાં આવશે. હાલમાં બેંકિંગ, સ્ટોક એક્સચેન્જ, ટેલિકોમ નેટવર્ક, પાવર ગ્રીડ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ ઘણીવાર વિદેશી સેટેલાઇટ કે GPS આધારિત સમય સ્ત્રોતો પર નિર્ભર રહે છે, જેમાં નેનોસેકન્ડનો પણ તફાવત મોટા ટેકનિકલ લોચા ઊભા કરી શકે છે. હવે આ તમામ સિસ્ટમોને ભારતની સીઝિયમ એટમિક ક્લોક (NPL) અને ISRO ના NavIC સેટેલાઇટ આધારિત અધિકૃત સ્ત્રોત સાથે જ જોડવામાં આવશે.

 

૧૮૦ દિવસનો સંક્રમણ સમયગાળો અને વિદેશી નિર્ભરતાનો અંત

સરકારે ૨૭ ઓગસ્ટના રોજ જાહેર કરેલા ગેઝેટ નોટિફિકેશન બાદ સંસ્થાઓને પોતાની ડિજિટલ સિસ્ટમ્સ, સર્વર્સ અને ડેટાબેઝને અપગ્રેડ કરવા માટે ૧૮૦ દિવસનો સમય આપ્યો છે. વિદેશી સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા માટે ISRO ની 'NavIC' અને ઉચ્ચ ચોકસાઈવાળી 'વ્હાઈટ રેબિટ' ટેકનોલોજીનું સફળ પરીક્ષણ પણ કરી લેવાયું છે. જોકે, વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રીય અને વૈશ્વિક નેવિગેશનલ ક્ષેત્રો માટે જરૂરી ખાસ આંતરરાષ્ટ્રીય સમય ધોરણોના ઉપયોગ માટે જરૂરી અપવાદો જાળવી રાખવામાં આવ્યા છે.

(7:26 PM IST)