<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

રાજસ્થાન હાઇકોર્ટમાં અભૂતપૂર્વ ન્યાયિક કટોકટી: કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ.પી. શર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોથી સનસનાટી, વકીલોએ ૬ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ હડતાળનું કર્યું એલાન!

સુપ્રીમ કોર્ટના જજ સંદીપ મહેતાએ CJIને પત્ર લખી અતિ ગંભીર ધડાકા કર્યા: 'હાઇકોર્ટના વડા સત્તાનો દુરુપયોગ કરી સાથી જજોને ધમકાવે છે', કોરિડોરમાં વકીલોના ભારે સૂત્રોચ્ચાર બાદ પરિસરમાં પોલીસ તૈનાત કરવી પડી

જયપુર: રાજસ્થાન હાઇકોર્ટમાં ન્યાયતંત્ર અને વકીલો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (Acting CJ) એસ.પી. શર્મા સામે વહીવટી સત્તાના દુરુપયોગ અને કેસ લિસ્ટિંગમાં ગડબડ કરવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા બાદ રાજસ્થાન હાઇકોર્ટ વકીલ સંગઠને ૬ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ કામકાજ બંધ રાખી હડતાળ પર જવાની ઐતિહાસિક જાહેરાત કરી છે.

 

કોરિડોરમાં જજો વિરુદ્ધ ચોંકાવનારા સૂત્રોચ્ચાર

જયપુર અને જોધપુર પરિસરમાં વકીલોએ કામકાજ ઠપ્પ કરીને કોરિડોરમાં ધરણાં ધર્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે જયપુર પરિસરમાં વિરોધ કરી રહેલા વકીલોને વિખેરવા માટે પોલીસનો કાફલો બોલાવવો પડ્યો હતો. વકીલોએ સ્પષ્ટ માંગ કરી છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને રાષ્ટ્રપતિ આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરે અને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશને પદ પરથી હટાવીને કાયમી CJની નિમણૂક કરે.

 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંદીપ મહેતાના પત્રથી મોટો વિસ્ફોટ

આ સમગ્ર વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટના જજ સંદીપ મહેતા દ્વારા CJI સૂર્યકાંતને લખવામાં આવેલા સનસનાટીભર્યા પત્રોથી થઈ છે. જસ્ટિસ મહેતાએ પત્રમાં ચોંકાવનારા આરોપો લગાવતા લખ્યું કે, "જસ્ટિસ શર્મા વહીવટી સત્તાનો ગંભીર દુરુપયોગ કરી રહ્યા છે અને તેમની ન્યાયિક કામગીરી પ્રામાણિકતા પર શંકા ઊભી કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અનેક હાઇકોર્ટના સાથી જજોએ તેમને ફરિયાદ કરી છે કે જસ્ટિસ શર્મા CJI સાથે પોતાની નિકટતાનો દાવો કરીને જજોને બદલીઓ કરાવવાની ધમકીઓ આપે છે.

 

CJI સૂર્યકાંતનું નિવેદન: "આરોપોની યોગ્ય સ્તરે તપાસ થશે"

બીજી તરફ, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે આ મુદ્દે સંયમ જાળવવાની અપીલ કરતાં જણાવ્યું છે કે કોઈપણ ન્યાયાધીશ સામેના આરોપો જાહેર ક્ષેત્રમાં કે મીડિયા ટ્રાયલથી નક્કી થઈ શકે નહીં. CJI એ સ્પષ્ટ કર્યું કે કોલેજિયમ આ આરોપોની સ્થાપિત પ્રક્રિયા મુજબ તપાસ કરી રહ્યું છે. જસ્ટિસ શર્માને પોતાનો પક્ષ રજૂ કરવાની અને સાંભળવાની પૂરી તક આપવામાં આવશે, ત્યારબાદ જ સક્ષમ સત્તા દ્વારા કોઈ આખરી નિર્ણય લેવામાં આવશે.

(7:31 PM IST)