<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

પુણેમાં ડીજે વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ફડણવીસની ખાસ અપીલ: "પરંપરાગત અને પૂર્ણ સાંસ્કૃતિક રીતે ઉજવો ગણેશોત્સવ"; ભાજપ કારોબારીમાં રાહુલ ગાંધી અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો!

ગણેશ કલા ક્રિડા મંચ ખાતેથી CM ફડણવીસે પુણેના નાગરિકોને આખા મહારાષ્ટ્ર માટે ઉદાહરણ સેટ કરવા આહ્વાન કર્યું: મહિલા અનામત, કુંભમેળા અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર વિપક્ષના 'નકારાત્મક નેરેટિવ'ને રોકડા જવાબ આપવા ભાજપ કાર્યકરોને ટકોર

પુણે : મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થાય તે પહેલાં પુણેમાં ડીજે (DJ) અને સાઉન્ડ સિસ્ટમના ઉપયોગને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. પુણેના ગણેશ કલા ક્રિડા મંચ ખાતે યોજાયેલી મહારાષ્ટ્ર ભાજપ રાજ્ય કારોબારી સમિતિની બેઠકને સંબોધતા મુખ્યમંત્રીએ પુણેના નાગરિકોને વિવાદોમાં પડવાને બદલે "સંપૂર્ણ સાંસ્કૃતિક અને પરંપરાગત" રીતે ગણેશોત્સવ ઉજવવાની ખાસ વિનંતી કરી છે.

 

"પુણે સમગ્ર મહારાષ્ટ્રને સાંસ્કૃતિક ઉત્સવનો માર્ગ બતાવી શકે છે"

રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ, વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં બોલતા ફડણવીસે જણાવ્યું હતું કે, "પુણેમાં ગણેશોત્સવને અત્યંત સાંસ્કૃતિક અને ભવ્ય રીતે ઉજવવાની અદ્ભુત ક્ષમતા છે અને આ કામ ફક્ત પુણેકરો જ કરી શકે છે." તેમણે લોકોને અપીલ કરી કે પુણેએ પોતાની ભવ્ય સંસ્કૃતિ અને ઢોલ-તાશાની પરંપરાને આગળ ધરીને સમગ્ર રાજ્ય અને દેશ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

 

કુંભમેળા, હિન્દુત્વ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહારો

સમાપન ભાષણમાં ફડણવીસે વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રામ મંદિર અને હિન્દુત્વનો સીધો વિરોધ ન કરી શક્યા બાદ હવે વિપક્ષ હિન્દુ સંસ્થાઓ અને આગામી કુંભમેળા વિશે નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કુંભમેળાની કામગીરી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ફગાવતા તેમણે કહ્યું કે ટેન્ડરોનું ચાર તબક્કામાં પારદર્શી ઓડિટ થઈ રહ્યું છે. આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે "તેઓ મહિલા અનામતના વાસ્તવિક વિરોધી રહ્યા છે, પરંતુ અમારી સરકાર ૨૦૨૯ સુધીમાં મહિલા અનામત ચોક્કસ લાવશે."

 

અનામત અને ઈંધણ આત્મનિર્ભરતા પર મોટી ખાતરી

મરાઠા અનામત અંગેની નવી માંગણીઓ અને રાજકીય અસમંજસ વચ્ચે ફડણવીસે સ્પષ્ટ ખાતરી આપી હતી કે સરકાર કોઈ એક સમુદાય (OBC) નું અનામત છીનવીને બીજા સમુદાયને આપશે નહીં. "એક વ્યક્તિની થાળીમાંથી લઈને બીજાને આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી," તેમ કહી તેમણે OBC વિદ્યાર્થીઓ માટે ૭૨ નવા છાત્રાલયોની જાહેરાત કરી હતી. દેશના અર્થતંત્ર અને આત્મનિર્ભરતા અંગે તેમણે દાવો કર્યો કે ૨૦૩૦ સુધીમાં દેશની ૫૦% ઈંધણ જરૂરિયાત ખેડૂતો (બાયોફ્યુઅલ) દ્વારા અને બાકીની ૫૦% ઇલેક્ટ્રિક વાહનો (EV) દ્વારા પૂર્ણ થશે.

 

(7:40 PM IST)