News of Monday, 31st August 2026
દમામથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 'બોમ્બ'ની ધમકીથી હડકંપ: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું!
વોશરૂમમાંથી 'BOMB' લખેલું ટિશ્યુ પેપર મળતાં મચ્યો ભારે હોબાળો: વિમાનને આઈસોલેશન બેમાં ખસેડી તમામ ૩૨ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા, બોમ્બ સ્ક્વોડની સઘન તપાસ બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદ : સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિમાન હવામાં જ હતું ત્યારે બોમ્બ હોવાની સનસનાટીભરી ધમકી મળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. વિમાનમાં શંકાસ્પદ મેસેજ મળી આવતા જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની મંજૂરી બાદ પાયલટે સુચના મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVP) એરપોર્ટ પર ફ્લાઈટનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
વોશરૂમમાંથી મળેલા ટિશ્યુ પેપરે વધાર્યા ધબકારા
મળતી વિગતો અનુસાર, ફ્લાઈટ જ્યારે હવામાં ઉડી રહી હતી ત્યારે કેબિન ક્રૂને વોશરૂમમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર હાથથી 'BOMB' લખેલું હતું. આ ભયાનક લખાણ જોતાં જ કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી અને ક્રૂ મેમ્બર્સે ત્વરિત નિર્ણય લઈને પાયલટને જાણ કરી હતી. પાયલટે વિલંબ કર્યા વિના સુરક્ષા પ્રોટોકોલને અનુસરી અમદાવાદ એરપોર્ટના ATC સાથે સંપર્ક સાધી ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી.
હાઈ એલર્ટ સાથે તમામ ૩૨ મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યૂ
લેન્ડિંગની મંજૂરી મળતા જ અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. વિમાન રન-વે પર સુરક્ષિત ઉતરતાં જ તેને મુખ્ય ટર્મિનલથી દૂર આઈસોલેશન બે (Isolation Bay) માં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ ૩૨ મુસાફરોને ત્વરિત અને સુસજ્જ રીતે બહાર કાઢીને વિશેષ બસ મારફતે સુરક્ષિત ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનું સઘન ચેકિંગ
ઈમરજન્સી કોલ મળતાં જ CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ આઈસોલેશન બેને ઘેરી લીધું હતું. તમામ મુસાફરોના સામાનને અલગ કરીને સ્કેનર મારફતે તપાસવામાં આવ્યો હતો અને સમગ્ર પ્લેન, સીટો તથા કાર્ગો એરિયાનું બારીકાઈથી ચેકિંગ કરાયું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ પણ વિસ્ફોટક વસ્તુ ન મળતાં એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સુરક્ષા એજન્સીઓ ટિશ્યુ પેપર પર બોમ્બ લખી અફવા ફેલાવનાર શરારતી તત્વની ઓળખ કરવા માટે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
