<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સરકારના કડક પગલાં છતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: દેશભરમાં ખાંડના રિટેલ ભાવમાં ભડકો, પ્રતિ કિલો ₹૭૪ સુધી પહોંચ્યો ભાવ!

એક્સ-મિલ ભાવમાં ૩૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયા છતાં રિટેલ માર્કેટમાં ભાવ ઘટી નથી રહ્યા: જૂનો ઊંચા ભાવનો સ્ટોક ખાલી થયા પછી જ ગ્રાહકોને રાહત મળવાની શક્યતા

નવી દિલ્હી : દેશમાં ખાંડના આસમાને પહોંચેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં રિટેલ માર્કેટમાં ખાંડના ભાવ ઘટે તેવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. દેશના અનેક રાજ્યોના રિટેલ બજારોમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. ૬૦ની મક્કમ સપાટીથી ઉપર બોલાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના મહિને બનતા કિચન બજેટ પર ભારે અસર પડી છે.

 

સરેરાશ ભાવમાં વાર્ષિક ૩૦ ટકાનો મોટો ઉછાળો

ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રવિવારે દેશભરમાં ખાંડનો સરેરાશ રિટેલ ભાવ વધારા સાથે પ્રતિ કિલો રૂ. ૬૪.૨૪ નોંધાયો હતો, જે અગાઉના સપ્તાહે રૂ. ૬૩.૧૨ હતો. ગયા વર્ષે આ જ ગાળા દરમિયાન ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. ૩૮.૬૩ હતો, જેની સરખામણીએ ચાલુ વર્ષે ભાવમાં અંદાજે ૩૦ ટકા જેટલો મસમોટો વધારો ઝીંકાયો છે. રવિવારે દેશમાં ખાંડનો મહત્તમ રિટેલ ભાવ પ્રતિ કિલો રૂ. ૭૪ અને ન્યૂનતમ ભાવ રૂ. ૪૦ નોંધાયો હતો. મુખ્ય શહેરોની વાત કરીએ તો નવી દિલ્હીમાં રૂ. ૬૨, મુંબઈમાં રૂ. ૬૬, ચેન્નાઈમાં રૂ. ૬૩ અને રાંચીમાં પ્રતિ કિલો રૂ. ૬૮ના ભાવે ખાંડ વેચાઈ રહી છે.

 

એક્સ-મિલ ભાવ ઘટ્યા પણ રિટેલરો ભાવ ઘટાડવા તૈયાર નથી

સરકારી પ્રયાસોના પરિણામે એક્સ-મિલ (સુગર મિલોના) સ્તરે ખાંડના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ૧૮મી ઓગસ્ટે જે એક્સ-મિલ ભાવ પ્રતિ કિલો રૂ. ૬૭ની ઉંચી સપાટીએ હતા, તેમાં સોમવારે અંદાજે ૩૦ ટકાનો ઘટાડો આવીને ભાવ પ્રતિ કિલો રૂ. ૪૭ના મથાળે પહોંચી ગયા છે. જોકે, મિલો પર ઘટેલા ભાવનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી હજુ પહોંચ્યો નથી.

 

બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મોટાભાગના રિટેલ વેપારીઓએ અગાઉ મોંઘા ભાવે ખાંડનો સ્ટોક ખરીદ્યો હતો. સામાન્ય રીતે રિટેલરો ૫૦ કિલોની ૧૦ થી ૧૫ ગુણીનો સ્ટોક રાખતા હોય છે. વેપારીઓ ખોટ ખાઈને માલ વેચવા તૈયાર ન હોવાથી જ્યાં સુધી જૂનો સ્ટોક ખાલી નહીં થાય ત્યાં સુધી ઊંચા ભાવે જ વેચાણ ચાલુ રહેશે. જ્યારે રિટેલરો નવી નીચા ભાવની ખરીદી કરશે ત્યારબાદ જ ગ્રાહકોને રિટેલ સ્તરે ખાંડના ભાવમાં રાહત મળશે.

(8:02 PM IST)