News of Monday, 31st August 2026
કાવેરી જળ વિવાદમાં સુપ્રીમ કોર્ટની મહત્વની નોંધ: તમિલનાડુની અરજી વચ્ચે કર્ણાટક નિર્ધારિત માત્રા કરતાં વધુ પાણી છોડી રહ્યું હોવાનો દાવો
તમિળનાડુની બેકલોગ પાણી આપવાની માંગ સામે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી ૧૫ સપ્ટેમ્બર પર મુલતવી રાખી: કર્ણાટકે કહ્યું- દરરોજ ૧૧,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી : અંતરરાજ્ય કાવેરી જળ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમિલનાડુ સરકાર દ્વારા કર્ણાટક પાસેથી તેના હિસ્સાનું પાણી તાત્કાલિક મેળવવા માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે કર્ણાટક રાજ્ય પહેલાથી જ નિર્ધારિત માત્રા મુજબ તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલો?
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો. તમિલનાડુ વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સી. એસ. વૈદ્યનાથને દલીલ કરી હતી કે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) દ્વારા અગાઉના બાકી નીકળતા પાણી (બેકલોગ) અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો નથી. તમિલનાડુના ખેડૂતો અને પાક માટે પાણીની અછત સર્જાઈ રહી હોવાનું કહીને તેમણે બાકી હિસ્સો તાત્કાલિક છોડાવવાની માંગ કરી હતી.
અમે નિયમ કરતાં વધુ પાણી આપી રહ્યા છીએ: કર્ણાટક
બીજી તરફ, કર્ણાટક સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ શ્યામ દિવાને કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય ઓથોરિટીના તમામ આદેશોનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. તેમણે કોર્ટ સમક્ષ આંકડા રજૂ કરતા જણાવ્યું કે સીડબલ્યુએમએ (CWMA) દ્વારા દરરોજ ૯,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની સામે કર્ણાટકે ૩૦ ઓગસ્ટે ૯,૮૮૮ ક્યુસેક અને સોમવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૧૧,૫૪૭ ક્યુસેક કરતાં પણ વધુ પાણી મુક્ત કર્યું છે. કર્ણાટક બેસિનના કેટલાક વિસ્તારોમાં ગંભીર દુષ્કાળની સ્થિતિ હોવા છતાં રાજ્ય વધારાનું પાણી આપી રહ્યું છે.
અદાલતનું વલણ અને આગામી સુનાવણી
ખંડપીઠે તમિલનાડુના વકીલને ટાંકીને કહ્યું કે, "તમારે પાણી જોઈએ છે અને કર્ણાટક પાણી છોડી રહ્યું છે. જો ઓથોરિટીના નિર્ણય સામે કોઈ વાંધો હોય તો તેને યોગ્ય ફોરમ પર પડકારવો જોઈએ." કાવેરી વોટર રેગ્યુલેશન કમિટી (CWRC) દર ૧૫ દિવસે સ્થિતિની સમીક્ષા કરી રહી હોવાથી સુપ્રીમ કોર્ટે બંને રાજ્યોને આગામી સમયના અદ્યતન આંકડા અને વિગતો રેકોર્ડ પર મૂકવાનો આદેશ આપ્યો છે.
અદાલતે આ કેસની આગામી સુનાવણી હવે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિયત કરી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
