News of Monday, 31st August 2026
ભારતની ગ્રીન એનર્જી અને AI ક્રાંતિનું કેન્દ્ર બનશે છત્તીસગઢ: લિથિયમ, ગ્રેફાઇટ અને દુર્લભ ખનિજોના વિપુલ ભંડાર સાથે દેશના સપ્લાય હબ તરીકે ઊભર્યું!
દિગ્ગજ રોકાણકારો માટે ૫ નવા ક્રિટિકલ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયા શરૂ: મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ 'ઈ-રેટ સાંગવારી' અને 'ટીન' પોર્ટલ લોન્ચ કરી પારદર્શિતા વધારી

રાયપુર : સંરક્ષણ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EV), ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ભવિષ્યના હાઇ-ટેક ક્ષેત્રો માટે જરૂરી એવા મહત્વપૂર્ણ ખનિજોના પુરવઠામાં છત્તીસગઢ હવે ભારતનું સૌથી મોટું વ્યૂહાત્મક હબ બનવા જઈ રહ્યું છે. રાજ્યમાં લિથિયમ, ગ્રેફાઇટ, દુર્લભ પૃથ્વી તત્વો (REE), ટંગસ્ટન, વેનેડિયમ અને ગેલિયમ જેવા અત્યંત મૂલ્યવાન ખનિજોનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. કેન્દ્રીય ખાણ મંત્રાલય દ્વારા યોજાયેલા રોડ શો દરમિયાન રાજ્યની આ અગાધ ખનિજ સંપત્તિ અને રોકાણની નવી તકોને દેશ સામે પ્રદર્શિત કરવામાં આવી હતી.
૪ લાખ કરોડની આવક અને પર્યાવરણીય સંતુલનનો નવો રસ્તો
નયા રાયપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ દેશના રોકાણકારોને હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૫ ખનિજ બ્લોક્સની સફળ હરાજી કરવામાં આવી છે, જેનાથી રાજ્યને અંદાજે ₹૪ લાખ કરોડની આવક થશે." મહત્વની વાત એ છે કે, આટલી વ્યાપક સ્તરે ખાણકામ પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં, કડક પર્યાવરણીય નીતિઓના કારણે છત્તીસગઢના વન આવરણ (ગ્રીન કવર) માં ૧.૨૨ ટકાનો વધારો નોંધાયો છે, જે વિકાસ અને પર્યાવરણના અદ્ભુત સંતુલનને દર્શાવે છે.
કટઘોરામાં દેશનો પ્રથમ લિથિયમ બ્લોક અને આદિવાસી કલ્યાણ
રાજ્યના કટઘોરા અને બસ્તર વિસ્તારોમાં લિથિયમ તથા રેર અર્થ એલિમેન્ટ્સના વિશાળ ભંડાર ઓળખાયા છે, જેમાં કટઘોરા લિથિયમ બ્લોક ભારતમાં હરાજીમાં મુકનાર પ્રથમ લિથિયમ-બેરિંગ બ્લોક બન્યો છે. આ ઉપરાંત બલરામપુરમાં ગ્રેફાઇટ અને ગેલિયમની મોટી સંભાવનાઓ છે. આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ આદિવાસી સમાજ અને ગ્રાહકોના કલ્યાણ માટે 'ઈ-રેટ સાંગવારી' અને 'ટીન' નામના બે ડિજિટલ પોર્ટલ પણ લોન્ચ કર્યા હતા, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સસ્તા દરે રેતી પૂરી પાડવામાં અને દાંતેવાડાના આદિવાસીઓને ટીનના યોગ્ય ભાવ અપાવવામાં મદદ કરશે.
વૈશ્વિક નિર્ભરતા ઘટાડી ભારત બનશે આત્મનિર્ભર
કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબે અને રાજ્યમંત્રી તોખન સાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા દેશની આર્થિક અને સંરક્ષણ સુરક્ષા માટે અનિવાર્ય છે. ખાણ મંત્રાલયના સચિવ કેશવ ચંદ્રાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં દેશભરમાં ૮૮ વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સની હરાજી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં ૫૬ બ્લોક્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. છત્તીસગઢના આ નવા સાહસથી દેશમાં રોજગારી, પ્રોસેસિંગ, નવી પ્રોડક્શન યુનિટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો વિકાસ થશે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
