તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 31st August 2026
બિશ્કેકમાં SCO સમિટ વચ્ચે રશિયાની ચીનને મોટી ઓફર: પુતિને શી જિનપિંગ સમક્ષ કાયમી વિઝા-મુક્ત મુસાફરીનો મૂક્યો ઐતિહાસિક પ્રસ્તાવ!
રશિયા અને ચીન વચ્ચેનો પ્રવાસન પ્રવાહ છ મહિનામાં ૪૩ ટકા વધતાં રશિયા ઉત્સાહિત: મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના નેતાઓ સાથે પણ જિનપિંગે યોજી મહત્વની દ્વિપક્ષીય બેઠકો

બિશ્કેક (કિર્ગિસ્તાન) : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. વૈશ્વિક ભૌગોલિક રાજકારણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતી આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને ચીન સમક્ષ બંને દેશો વચ્ચેની વિઝા-મુક્ત મુસાફરીની વ્યવસ્થાને કાયમી ધોરણે અમલી બનાવવાની સત્તાવાર ઓફર કરી છે.
પ્રવાસન ક્ષેત્રે ૪૩ ટકાનો અભૂતપૂર્વ ઉછાળો
રશિયન સમાચાર એજન્સી 'TASS' ના જણાવ્યા અનુસાર, પુતિને બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, "જો ચીની પક્ષ આ પ્રસ્તાવને શક્ય અને ઉપયોગી માનતો હોય, તો રશિયા આ વિઝા-મુક્ત વ્યવસ્થાને કાયમી બનાવવા માટે ચીન સાથે મળીને કામ કરવા સંપૂર્ણપણે તૈયાર છે." પુતિને વધુમાં ઉમેર્યું હતું કે અગાઉથી ચાલી રહેલી આ સુવિધાના કારણે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં બંને દેશો વચ્ચે પ્રવાસીઓની અવરજવરમાં ૪૩ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે, જે બંને દેશોની આર્થિક ભાગીદારી માટે ખુબ ઉત્સાહજનક છે.
મધ્ય એશિયાઈ દેશો સાથે પણ ચીનનો મિત્રતાનો હાથ
SCO સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માત્ર રશિયા પૂરતા સીમિત ન રહેતા અન્ય પ્રાદેશિક નેતાઓને પણ મળ્યા હતા. તેમણે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે મુલાકાત કરીને ઉર્જા, વેપાર અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં બહુપક્ષીય સહયોગ મજબૂત કરવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, યજમાન દેશ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદિર ઝાપારોવ સાથેની વાતચીતમાં જિનપિંગે બંને દેશો વચ્ચેની કાયમી મિત્રતા અને પરસ્પર સમર્થનની સંધિને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
વૈશ્વિક રાજકારણમાં નવું સમીકરણ
પાછલા કેટલાક સમયથી પશ્ચિમી દેશોના આકરા આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા અને વૈશ્વિક સ્તરે પ્રભાવ વધારી રહેલા ચીન વચ્ચેની આ નિકટતા SCO મંચ પરથી વધુ સ્પષ્ટ થઈ છે. વિઝા-મુક્ત અવરજવર કાયમી થવાથી એશિયા-યુરોપ પ્રદેશમાં આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
