<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રેપર બાદશાહ અને ઈશા રિખીના માત્ર ૫ મહિનાના લગ્નજીવનનો અંત

સોશિયલ મીડિયા પર કરી પોસ્‍ટઃ ફેન્‍સમાં ભારે આંચકો

નવી દિલ્‍હી, તા.૧: સંગીત જગતમાં પોતાના ધમાકેદાર ગીતોથી લોકોને ઝૂમાવનાર જાણીતા રેપર અને ગાયક બાદશાહ અવારનવાર તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેના અંગત જીવનમાંથી એક અત્‍યંત ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્‍યા છે. માર્ચ ૨૦૨૬માં પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે અત્‍યંત ખાનગી રીતે લગ્નગ્રંથિથી જોડાયેલા બાદશાહના આ સંબંધો માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ કડવાશમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા અણબનાવ અને મતભેદો બાદ હવે આ હાઈ-પ્રોફાઈલ કપલે સત્તાવાર રીતે એકબીજાથી અલગ થવાનો અને પોતાના કાનૂની સંબંધોનો કાયમી અંત આણવાનો મોટો નિર્ણય લઈ લીધો છે, જેને પગલે સમગ્ર બોલિવૂડ અને મ્‍યુઝિક ઈન્‍ડસ્‍ટ્રીમાં ભારે ચર્ચા જાગી છે.

સોમવાર, ૩૧ ઓગસ્‍ટની મોડી રાત્રે બાદશાહ અને ઈશા રિખીએ પોતપોતાના સત્તાવાર ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પરથી એક સંયુક્‍ત અને સંવેદનશીલ નિવેદન શેર કરીને આ દુઃખદ સમાચાર પબ્‍લિક કર્યા હતા. તેમણે પોતાની પોસ્‍ટમાં સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે આ અઘરો નિર્ણય સંપૂર્ણપણે પરસ્‍પર સંમતિ અને આદર સાથે લેવામાં આવ્‍યો છે. બાદશાહે તેના ચાહકો અને મીડિયાને વિનંતી કરતા લખ્‍યું હતું કે, મેં અને ઈશાએ અલગ થઈને પોતપોતાના રસ્‍તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. જીવનના આ મુશ્‍કેલ તબક્કે અમે ઈચ્‍છીએ છીએ કે લોકો અમારી અંગત જિંદગી અને ગોપનીયતાનો પૂરો આદર કરે. આ જ પ્રકારનું વલણ દર્શાવતા ઈશા રિખીએ પણ પોતાની પોસ્‍ટ દ્વારા ફેન્‍સ પાસે આ મુશ્‍કેલ ક્ષણોમાં પ્રાઈવસીની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઈશા રિખી બાદશાહની બીજી પત્‍ની છે અને ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાયેલા એક આત્‍મીય અને ખાનગી સમારોહમાં બંનેએ એકબીજાનો હાથ પકડ્‍યો હતો. પરંતુ લગ્નના થોડા જ અઠવાડિયા બાદ બંને વચ્‍ચે અણબનાવ શરૂ થયો હોવાના અહેવાલો વહેતા થયા હતા.

(11:33 AM IST)