<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

કાશ્મીરના કુદરતી ખજાનાને બચાવવા હવે ઈકોફ્રેન્ડલી ટુરિઝમનો ઉઠ્યો પોકાર

બેફામ ભીડ-બાંધકામને બદલે ગામડાં અને જંગલો તરફ નજર: દાલ સરોવરથી ગુલમર્ગ સુધી પ્રવાસીઓનો ધસારો વધતાં કચરો-ટ્રાફિકનું દબાણઃ સ્થાનિકોની માગ, કુદરત બચાવો અને રોજગારી પણ ગામડે પહોંચાડો: જંગલ, તળાવો, પહાડ અને ઘાસના મેદાનો બનશે પ્રવાસનનું નવું આકર્ષણઃ છ મહિનામાં પર્યાવરણ-પર્યટન નીતિ લાવવાની સરકારની તૈયારી

જમ્મુ, તા. ૧ : કશ્મીરમાં પરંપરાગત પ્રવાસનને કારણે પર્યાવરણ ઉપર વધી રહેલા દબાણ વચ્ચે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ હવે પર્યાવરણમૈત્રી પ્રવાસનને પ્રાથમિકતા આપવાની જોરદાર માગ ઉઠાવી છે. જંગલો, તળાવો અને ભેજવાળા વિસ્તારો, પહાડો, ઘાસના મેદાનો, નદીઓ તથા દૂરના ગામોને કુદરતી સ્વરૂપ જાળવીને પ્રવાસન સાથે જોડવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળવાની સાથે પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે તેમ છે.

 

પ્રવાસન ક્ષેત્રના મુશ્તાક અલી અહમદ ખાનના જણાવ્યા મુજબ સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને વૈજ્ઞાનિક આયોજન સાથે પર્યાવરણમૈત્રી પ્રવાસન વિકસાવાય તો કશ્મીરનું મોટું આકર્ષણ બની શકે. ઉડીના મોહસિન ભટે ખાસ કરીને પર્યાવરણની દૃષ્ટિએ નાજુક વિસ્તારોમાં મોટી ભીડને બદલે ઓછું નુકસાન પહોંચાડતા પ્રવાસન ઉપર ભાર મૂક્યો છે.

 

સ્થાનિકોએ ચિહ્નિત પદયાત્રા માર્ગો, કુદરતી ભ્રમણ, પક્ષી નિરીક્ષણ, નિયંત્રિત શિબિર વ્યવસ્થા, સાઇકલ માર્ગો, ગ્રામ્ય પ્રવાસન અને ઘરમાં રહેવાની સુવિધા વિકસાવવાનું સૂચવ્યું છે. જોકે આવી સુવિધા ઉભી કરતાં પહેલાં વિસ્તાર કેટલા પ્રવાસીઓ સહન કરી શકે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની માગ કરવામાં આવી છે.

 

જમ્મુ-કાશ્મીર સરકાર પણ વ્યાપક પર્યાવરણ-પર્યટન નીતિ તૈયાર કરી રહી છે. તેમાં કુદરતી સંસાધનોનું સંરક્ષણ, નાજુક વિસ્તારોમાં પ્રવાસનનું નિયંત્રણ, કચરા વ્યવસ્થાપન, સ્થાનિક સમુદાયની ભાગીદારી અને ટકાઉ રોજગારી ઉપર ભાર મુકાયો છે. નીતિને જરૂરી વિચારવિમર્શ અને મંજૂરી બાદ છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

 

(11:35 AM IST)