News of Tuesday, 1st September 2026
થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો? સાવધાન! ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોકે વિઝા-મુક્ત રોકાણનો સમયગાળો અડધો કરી નાખ્યો!
ભારત સહિત 60 દેશોના સૈલાનીઓ માટે હવે 60 દિવસને બદલે માત્ર 30 દિવસની છૂટ; 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે નવો આકરો નિયમ

બેંગકોક, તા.૦૧: દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ એવા થાઈલેન્ડ તરફથી ભારતીય પ્રવાસીઓ માટે એક અત્યંત મહત્વના અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ આગામી દિવસોમાં થાઈલેન્ડના સુંદર બીચ અને વાઇબ્રન્ટ નાઇટલાઇફની મજા માણવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ નવો નિયમ તમારા પ્રવાસના પ્લાનિંગ પર સીધી અસર પાડશે.
થાઈલેન્ડ સરકારે ભારત સહિત વિશ્વના ૬૦ જેટલા દેશો અને પ્રદેશોના પાસપોર્ટ ધારકો માટે વિઝા વિના દેશમાં રોકાણ કરવાની મુદતમાં મોટો કાપ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રોયલ ગેઝેટ જાહેરનામા અનુસાર, હવે વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશો હેઠળ પ્રવાસીઓ ૬૦ દિવસના બદલે માત્ર ૩૦ દિવસ સુધી જ થાઈલેન્ડમાં રોકાઈ શકશે.
ક્યારથી અમલમાં આવશે આ નવો નિયમ?
૩૧ ઓગસ્ટના રોજ રોયલ ગેઝેટમાં આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનના ૧૫ દિવસ બાદ, એટલે કે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી આ નવો સુધારેલો નિયમ સમગ્ર દેશમાં પૂરજોશમાં અમલી બની જશે.
ભારત હજુ પણ વિઝા-મુક્ત યાદીમાં યથાવત
રાહતની વાત એ છે કે થાઈલેન્ડે ભારતને પોતાની વિઝા-મુક્ત યાદીમાંથી બહાર કર્યું નથી. ભારતીય મુસાફરો પહેલાની જેમ જ મુક્તપણે થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકશે, પરંતુ હવે તેઓ એક જ ટ્રીપમાં ૩૦ દિવસથી વધુ સમય વિતાવી શકશે નહીં. ભારત ઉપરાંત આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, મલેશિયા, માલદીવ, સિંગાપોર, સાઉદી અરેબિયા, યુએઈ (UAE), યુકે (UK) અને યુએસએ (USA) જેવા દેશો સામેલ છે.
જમીન સરહદેથી પ્રવેશતા મુસાફરો માટે ખાસ ચેતવણી
જે પ્રવાસીઓ જમીન માર્ગે (Land Border Entry) અથવા ઇમિગ્રેશન ચેકપોઇન્ટ દ્વારા થાઈલેન્ડમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છે, તેમના માટે કેલેન્ડર વર્ષમાં માત્ર બે વાર જ આ સુવિધાનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, જરૂરિયાત મુજબ ગૃહ પ્રધાનને ખાસ કિસ્સામાં આ મર્યાદામાં છૂટછાટ આપવાની સત્તા સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે આ નવી સૂચના સાથે જ ગૃહ મંત્રાલય દ્વારા ૪ માર્ચ, ૨૦૧૯ અને ૨૧ જૂન, ૨૦૨૨ ના રોજ જારી કરવામાં આવેલા અગાઉના તમામ જુના નિયમો રદ કરવામાં આવ્યા છે. હવેથી માત્ર આ નવો ૩૦-દિવસનો નિયમ જ માન્ય રહેશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
