News of Tuesday, 1st September 2026
જમશેદપુરમાં ભયાનક અકસ્માત: CNG પંપ પર ગેસ રિફ્યુઅલિંગ નળી ફાટતાં ૨૪ વર્ષીય યુવકનું દર્દનાક મોત; નોઝલ માથામાં વાગવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ!
ઇંધણ ભરતી વખતે અચાનક વિસ્ફોટ સાથે નળી છૂટી પડી: પરિવારનો એકમાત્ર કમાનાર સભ્યો ગુમાવતાં પરિવારમાં અરેરાટી; પંપ ઓપરેટર પાસે વળતરની માંગ

જમશેદપુર, તા.૦૧: ઝારખંડના જમશેદપુર જિલ્લામાં આવેલા એક પેટ્રોલ પંપ પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને આંચકાજનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં સીએનજી (CNG) સ્ટેશન પર વાહનમાં ગેસ ભરતી વખતે અચાનક હાઇ-પ્રેશર રિફ્યુઅલિંગ નળી ફાટતાં ૨૪ વર્ષીય પંપ કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ભયાનક બનાવ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે આશરે ૧૦:૪૦ વાગ્યાના સુમારે જમશેદપુરના 'આરકે જૈન ભારત પેટ્રોલિયમ' પંપ પર બની હતી.
CCTVમાં કેદ થયો મોતનો મંજર
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે પંપ પર વાહનો ઇંધણ ભરાવવા માટે લાઇનમાં ઊભાં હતાં. આ દરમિયાન ૨૪ વર્ષીય કર્મચારી વાહનમાં CNG ભરી રહ્યો હતો, ત્યારે જ અચાનક કોઈ તકનીકી ક્ષતિના કારણે પ્રેશરથી નળી વાહનથી અલગ થઈને ધડાકાભેર ફાટી હતી. નળી સાથે જોડાયેલી ભારે લોખંડની નોઝલ સીધી કર્મચારીના માથાના ભાગે ખૂબ જ વેગથી વાગી હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે યુવક કાઉન્ટર સાથે અથડાઈને જમીન પર ઢળી પડ્યો હતો અને પંપ પર અફરાતફરી મચી ગઈ હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
મૃતક યુવાનની ઓળખ તુષાર ખમરી તરીકે થઈ છે. ઘટના બનતાં જ અન્ય કર્મચારીઓ તુરંત જ તેને ઉપાડીને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
તપાસનો ધમધમાટ અને પરિવારની વળતરની માંગ
આ ભયાનક અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને પાઇપ ફાટવા પાછળ કોઈની બેદરકારી જવાબદાર છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
બીજી તરફ, મૃતક તુષારના પરિવારે ભારે આક્રંદ વચ્ચે જણાવ્યું છે કે તે પોતાના પરિવારનો એકમાત્ર આધાર અને કમાનાર વ્યક્તિ હતો. પરિવારે પંપ ઓપરેટર અને કંપની પાસે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
