<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ: ઓગસ્ટમાં ૨૪.૫૧ અબજ શાનદાર UPI વ્યવહારો નોંધાયા; એક જ મહિનામાં ₹૨૯.૮૨ ટ્રિલિયનની લેવડદેવડ!

જુલાઈ મહિનાનો રેકોર્ડ તૂટ્યો: દરરોજ સરેરાશ ૭૯૧ મિલિયન ટ્રાન્ઝેક્શન; FASTag અને આધાર પેમેન્ટમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ!

મુંબઈ, તા.૦૧: ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સની લોકપ્રિયતા અને સ્વીકૃતિ દિવસેને દિવસે નવા રેકોર્ડ સર્જી રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા તાજેતરમાં આંકડાઓ અનુસાર, ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનો સૌથી મોટો માસિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમ રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટ દરમિયાન કુલ ૨૪.૫૧ અબજ (24.51 Billion) વ્યવહારો દ્વારા ₹૨૯.૮૨ ટ્રિલિયનની મંગી લેવડદેવડ નોંધાઈ છે.

જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં UPI વોલ્યુમમાં ૩.૬% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે જુલાઈમાં ₹૨૯.૮૮ ટ્રિલિયનના મૂલ્યના ૨૩.૬૬ અબજ વ્યવહારો થવા પામ્યા હતા.

વાર્ષિક ધોરણે ૨૨% નો જંગી ઉછાળો

ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની તુલનામાં, આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં ૨૨% અને કુલ મૂલ્યમાં ૨૦% નો મોટો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે નાના વેપારીઓથી લઈને મોટા શોપિંગ મોલ્સ અને સામાન્ય ગ્રાહકોમાં રોકડ વ્યવહારોને બદલે ડિજિટલ પેમેન્ટ પર નિર્ભરતા ખૂબ ઝડપથી વધી રહી છે.


•    દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન: જુલાઈમાં દરરોજ સરેરાશ ૭૬૩ મિલિયન ટ્રાન્ઝેક્શન થતા હતા, જે ઓગસ્ટમાં વધીને ૭૯૧ મિલિયન થઈ ગયા છે.

•    દૈનિક વ્યવહાર મૂલ્ય: ઓગસ્ટ મહિના દરમિયાન રોજના સરેરાશ ₹૯૬,૨૦૫ કરોડના લેવડદેવડ UPI દ્વારા કરવામાં આવ્યા હતા.

FASTag અને AePS માં વૃદ્ધિ, IMPS માં સહેજ ઘટાડો
જ્યારે UPI એ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે, ત્યારે અન્ય ડિજિટલ ટ્રાન્સફર માધ્યમોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે:


•    FASTag નો ક્રેઝ: ટોલ પ્લાઝા પર FASTag દ્વારા થતા વ્યવહારો ઓગસ્ટમાં ૧.૨% વધીને ૩૫૧ મિલિયન થવા પામ્યા છે, જેનું કુલ મૂલ્ય ₹૭,૧૮૫ કરોડ રહ્યું છે.

•    આધાર-સક્ષમ ચુકવણી (AePS): આધાર-આધારિત ચૂકવણી (AePS) ની લેવડદેવડ ઓગસ્ટમાં ૪% વધીને ૧૦૪ મિલિયન પહોંચી છે, જોકે તેનું કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય ૫% ઘટીને ₹૨૬,૦૩૫ કરોડ નોંધાયું હતું.

•    IMPS: ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS) દ્વારા થતા ટ્રાન્ઝેક્શન ઓગસ્ટમાં સહેજ ઘટીને ૩૬૦ મિલિયન થયા છે, જે જુલાઈમાં ૩૬૪ મિલિયન હતા.

ફિનટેક નિષ્ણાતોના મતે, ભારતમાં ડિજિટલ ક્રાંતિનો આગળનો તબક્કો હવે નાના ગામડાઓ, અર્ધ-શહેરી વિસ્તારો અને સાદા ફીચર ફોન વાપરતા ગ્રાહકો સુધી પહોંચવા પર આધારિત રહેશે.

(4:16 PM IST)