<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

HIV સામેની જંગમાં મિઝોરમનો ઐતિહાસિક વિજય: સૈતુલ જિલ્લો બન્યો દેશનો પ્રથમ ‘સુરક્ષિત’ HIV મુક્ત ક્ષેત્ર, વૈશ્વિક '95-95-95' લક્ષ્યાંક કર્યો સર

રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન (NACO)ના 'MAS અભિયાન' હેઠળ મળી મોટી માન્યતા; ચર્ચો, સમુદાયો અને પ્રશાસનના અભૂતપૂર્વ સહિયારા પ્રયાસોથી રચાયો ઇતિહાસ

આઈઝોલ, તા. ૦૯: એચઆઈવી/એઇડ્સ (HIV/AIDS)ના ફેલાવા સામે લાંબા સમયથી લડી રહેલા પૂર્વોત્તર રાજ્ય મિઝોરમે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. ઉત્તર-પૂર્વ મિઝોરમના સૈતુલ (Saitual) જિલ્લાએ તમામ કઠિન આરોગ્ય પરિમાણો પાર કરીને માન્યતા પ્રાપ્ત ‘સુરક્ષિત’ HIV જિલ્લા તરીકેનો દરજ્જો મેળવ્યો છે. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન (NACO)ના મોબિલાઇઝેશન એઇડ્સ સુરક્ષા (MAS) અભિયાન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના 95-95-95 નિવારણ અને સારવારના ત્રણેય કઠિન લક્ષ્યાંકો હાંસલ કરનારો સૈતુલ રાજ્યનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો બન્યો છે.

શું છે ‘સુરક્ષિત’ HIV દરજ્જો અને MAS અભિયાન?

દેશભરમાંથી HIV નામના આ ઘાતક વાયરસની સંક્રમણ સાંકળ તોડવાના ઉદ્દેશ્યથી આ વર્ષે ફેબ્રુઆરીમાં 'MAS અભિયાન' શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ જિલ્લાઓને તેમના પરફોર્મન્સના આધારે ચાર શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે: લક્ષ્યો પૂરા ન કરનાર 'સંઘર્શી', બે લક્ષ્યો પૂર્ણ કરનાર 'સક્ષમ', ત્રણેય લક્ષ્યો પૂર્ણ કરનાર 'સુરક્ષિત' અને માતાથી બાળકમાં ઝીરો ટ્રાન્સમિશન કરનાર 'સુરક્ષિત+'. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ (NACP) હેઠળ સૈતુલ જિલ્લાએ નવા ચેપને અટકાવવામાં, સમયસર રેપિડ ટેસ્ટિંગ કરવામાં અને દર્દીઓને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં ૧૦૦% સફળતા મેળવીને 'સુરક્ષિત' ટેગ મેળવ્યો છે.

સામાજિક કલંક અને ડર સામે મેળવી જીત:

ઐતિહાસિક રીતે મિઝોરમા દેશના અન્ય રાજ્યોની સરખામણીએ એચઆઈવીનો વ્યાપ ઘણો ઊંચો રહ્યો છે, જ્યાં સામાજિક કલંક અને જાગૃતિના અભાવને કારણે લોકો ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ કરાવા બહાર આવતા અચકાતા હતા. સૈતુલ જિલ્લામાં એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) ની મદદથી વાયરસના ફેલાવાને સંપૂર્ણપણે દબાવી દેવામાં સફળતા મળી છે. તેનાથી દર્દીઓ સામાન્ય અને લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે તેમજ અન્યોમાં વાયરસ ફેલાવાનું જોખમ પણ નહિવત થઈ ગયું છે.

પ્રશાસન, સ્થાનિક ચર્ચો અને NGOની ત્રિવેણી શક્તિ:

આ અભૂતપૂર્વ સફળતા પાછળ તબીબી ટીમ ઉપરાંત સ્થાનિક સામાજિક માળખાનો મોટો હાથ રહ્યો છે. ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ઝોથનપરી છકછુઆકે આ સિદ્ધિનો શ્રેય સૈતુલના ડેપ્યુટી કમિશનર શ્રીનિવાસ સાદીના નેતૃત્વ, સ્થાનિક ચર્ચો, સ્વયંસેવકો અને NGOના સક્રિય સહયોગને આપ્યો હતો. ચર્ચ અને સમાજના નેતાઓએ આગળ આવીને લોકોને જાગૃત કર્યા, જેના કારણે લોકો ભયમુક્ત થઈને ટેસ્ટિંગ કરાવા લાગ્યા અને સૈતુલ જિલ્લે સમગ્ર દેશ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(5:08 PM IST)