હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને પગલે 'રેડ એલર્ટ': શ્રદ્ધાળુઓની સુરક્ષા કાજે ૨૭ સપ્ટેમ્બર સુધી ચાર ધામ યાત્રા થંભાવી દેવાઈ!
કેદારનાથ માટેની હેલિકોપ્ટર સેવાઓ ઠપ્પ, ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા: વહીવટીતંત્રે યાત્રિકોને 'જ્યાં છો ત્યાં જ રહેવા' આપી સૂચના

દહેરાદૂન : હવામાન કેન્દ્ર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાવાઝોડા અંગે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ'ને પગલે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ૨૭ સપ્ટેમ્બર સુધી ચાર ધામ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે. ગઢવાલ કમિશનરના નિર્દેશો હેઠળ શનિવાર બપોરથી જ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ તરફ જતાં યાત્રિકોની અવરજવર રોકી દેવામાં આવી છે અને જે શ્રદ્ધાળુઓ જ્યાં છે તેમને ત્યાં જ સુરક્ષિત સ્થળે રોકાઈ જવા અપીલ કરવામાં આવી છે.
પ્રતિકૂળ હવામાન અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે કેદારનાથ ધામ માટેની હેલિકોપ્ટર સેવાઓ પણ સવારથી જ ઠપ્પ થઈ ગઈ છે. ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારો સહિત હેમકુંડ સાહિબમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. યાત્રા માર્ગો પર ભૂસ્ખલનનો ભય હોવાથી વહીવટીતંત્રે તમામ ચેકપોસ્ટ પરથી યાત્રિકોને આગળ વધતા અટકાવી દીધા છે.
રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર 'હાઈ એલર્ટ' પર, નદી કિનારે સેલ્ફી ન લેવા કલેક્ટરની વિનંતી
હવામાન વિભાગની ચેતવણીને પગલે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર યાત્રા માર્ગ અને નદીઓના જળસ્તર પર સર્વેલન્સ કેમેરાથી નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. તેમણે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે કે તેઓ નદી કિનારે કે સેલ્ફી લેવા માટે જોખમી સ્થળોએ જવાનું ટાળે. હવામાન ચોખ્ખું થયા બાદ અને સુરક્ષાની ખાતરી મળ્યા પછી જ યાત્રા અને હેલિકોપ્ટર સેવાઓ પૂર્વવત શરૂ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
