<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

UPI વાપરતા કરોડો ગ્રાહકો માટે સૌથી મોટા રાજીપાના સમાચાર: ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગનાર ફીનો બોજ ગ્રાહકો પર નહીં પડે, વેપારીઓએ સરકાર સાથે કર્યો સોદો!

15 ઓક્ટોબરથી અમલી બનનાર MDR ફી અંગે નાણા મંત્રાલયને અપાઈ લેખિત ખાતરી; 2 ઓક્ટોબરે 'નો UPI ડે' ઉજવવાનો વિરોધ પાછો ખેંચાયો અને નાના વેપારીઓને અપાઈ મોટી રાહત

નવી દિલ્હી : ડિજિટલ ચુકવણી અને UPI નો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકો માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફી લાદવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે વેપારી મંડળોએ નાણા મંત્રાલયને સ્પષ્ટ ખાતરી આપી છે કે આ ફીનો કોઈ પણ પ્રકારનો વધારાનો બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર નાખવામાં આવશે નહીં.

 

આગામી 15 ઓક્ટોબરથી અમલમાં આવનાર નવા નિયમ મુજબ, ₹2,000 થી વધુની UPI ચુકવણી સ્વીકારવા પર વેપારીઓ પાસેથી 0.4 ટકા MDR ફી વસૂલવામાં આવશે. શરૂઆતમાં કેટલાક વેપારીઓએ આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવાની તથા 2 ઓક્ટોબરે 'નો UPI ડે' ઉજવવાની જાહેરાત કરી હતી. જોકે, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલ તેમજ રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભરતિયાએ નાણા મંત્રાલયને ખાતરી આપી છે કે કોઈ પણ વેપારી MRP થી વધુ રકમ કે વધારાનો ચાર્જ બિલમાં ઉમેરી શકશે નહીં.

 

તંત્ર દ્વારા નાના દુકાનદારોને આ નિયમમાંથી મોટી રાહત આપવામાં આવી છે. દર મહિને ₹1,00,000 સુધીની ડિજિટલ ચુકવણી સ્વીકારતા નાના વેપારીઓને આ MDR ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા કરાતા વિરોધ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફી ડિજિટલ નેટવર્ક અને બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલન ખર્ચ માટે છે અને તેનાથી ગ્રાહકોના દૈનિક વ્યવહારો પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

(11:27 PM IST)