તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મુશ્કેલ સવાલોમાં અટવાય તો AI પણ બોલે છે અપશબ્દો: ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, શાઓમીના મોડલ સૌથી આગળ
અંતિમ જવાબને બદલે આંતરિક વિચાર પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે અભદ્ર ભાષા, જ્યાં અપશબ્દો વપરાયા ત્યાં કામ નિષ્ફળ જવાનો દર પણ વધ્યો.

મુંબઈ, તા.૨૪: મુશ્કેલ પરિસ્થિતિ કે અઘરા કામમાં અટવાય ત્યારે માણસ અકળાઈને અપશબ્દો બોલી જાય છે, પરંતુ હવે એક ચોંકાવનારા સંશોધનમાં સામે આવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના મોટા લેંગ્વેજ મોડલ્સ પણ જટિલ સવાલો ઉકેલવામાં ફસાય ત્યારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, AI એનાલિટિક્સ ફાર્મ 'વેલ્સ' (Wells) ના રિપોર્ટ મુજબ જુલાઈ ૨૦૨૬ પછી ટ્રેન્ડ થયેલા કેટલાક AI મોડલ્સમાં અગાઉના વર્ઝનની સરખામણીએ અપશબ્દોનો વપરાશ વધ્યો છે, જેમાં ૧૦૨ AI મોડલ્સની તપાસ કરાઈ હતી અને તેમાંથી ૮૮ મોડલ્સે એક પણ વાર અપશબ્દો વાપર્યા નહોતા.
ઘટનાની વિગતવાર માહિતી આપતા રિપોર્ટમાં જણાવાયું છે કે શાઓમીના એડવાન્સ મોડલે ૮ ટકાથી વધુ વાતચીતમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે મૂનશોટ તેમજ ડીપસીકના મોડલ્સમાં પણ આવા શબ્દો નોંધાયા છે, જોકે રસપ્રદ બાબત એ છે કે આ મોડલ્સ અંતિમ જવાબને બદલે પોતાની આંતરિક વિચાર પ્રક્રિયા દરમિયાન આવી ભાષા વાપરે છે.
રિપોર્ટના લેખક કોનર ફેન્કના જણાવ્યા મુજબ જટિલ સમસ્યામાં ફસાય ત્યારે માણસ મનમાં બબડાટ કરે તેમ AI મોડલ્સ પણ આંતરિક પ્રક્રિયામાં અપશબ્દો વાપરે છે, પરંતુ માણસથી વિપરીત AI ના કિસ્સામાં જ્યાં અપશબ્દોનો ઉપયોગ થયો ત્યાં કામ નિષ્ફળ જવાનો દર પણ ઊંચો જોવા મળ્યો છે.
ભૂતકાળમાં પણ AI મોડલ્સને ઇન્ટરનેટના વિશાળ ડેટામાંથી ભાષા શીખવવામાં આવતી હોવાથી તેમાં અપશબ્દો તેમજ વાંધાજનક શબ્દો આવી જવાની સમસ્યા સામે આવતી રહી છે, જેને દૂર કરવા માટે માનવીય ફીડબેક તેમજ સેફ્ટી ફિલ્ટર્સ દ્વારા સતત સુધારા કરવામાં આવે છે.
આગામી સમયમાં વધુ જટિલ કાર્યો માટે AI મોડલ્સને અપાતી તાલીમ વચ્ચે આંતરિક પ્રક્રિયામાં થતા આવા વિચલનોને નિયંત્રિત કરવા ટેકનોલોજી કંપનીઓ કેવા નવા ઉપાયો અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
