<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરતા ભારતીયો માટે મોટા સમાચાર: મલેશિયા સહિત આ 5 દેશોએ બંધ કરી વિઝા-મુક્ત અને 'વિઝા-ઓન-અરાઇવલ' સુવિધા!

મલેશિયાએ 1 જાન્યુઆરી, 2027 થી ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-મુક્ત પ્રવેશ સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો : પહેલાં જ ઈરાન, બોલિવિયા, કેપ વર્ડે અને નિકારાગુઆ જેવા અન્ય ચાર દેશોએ પણ ભારતીયો માટે વિઝાના નિયમો કડક બનાવીને પૂર્વ-મંજૂરી ફરજિયાત કરી દીધી

નવી દિલ્હી :  આંતરરાષ્ટ્રીય પ્રવાસના શોખીન ભારતીયો માટે વિદેશ પ્રવાસના નિયમોમાં મોટા ફેરફાર આવ્યા છે. મલેશિયાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2027 થી ભારતીય પાસપોર્ટ ધારકો માટે 30 દિવસની વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા બંધ કરવામાં આવશે. જોકે, ભારતીય પ્રવાસીઓ 31 ડિસેમ્બર, 2026 સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે, ત્યારબાદ પ્રવાસ માટે 1 ડિસેમ્બર, 2026 થી 'MyVISA' પોર્ટલ દ્વારા અગાઉથી ઓનલાઈન વિઝા મેળવવા ફરજિયાત બનશે.

મલેશિયા પહેલાં પણ વિશ્વના અન્ય ચાર દેશોએ ભારતીયો માટે સરળ વિઝા સુવિધાઓ પર બ્રેક લગાવી દીધી છે. ઈરાને નવેમ્બર 2025 થી સામાન્ય પાસપોર્ટ ધારક ભારતીયો માટે વિઝા-મુક્ત પ્રવેશ સ્થગિત કરીને અગાઉથી વિઝા લેવાનું ફરજિયાત કર્યું છે. તેવી જ રીતે, દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાએ એરપોર્ટ પર મળતા 'વિઝા-ઓન-અરાઇવલ' બંધ કરીને હવે અગાઉથી ઈ-વિઝા મેળવવાની સિસ્ટમ લાગુ કરી છે.

આ ઉપરાંત, આફ્રિકાના કેપ વર્ડેએ 1 જાન્યુઆરી, 2026 થી ભારત સહિત 96 દેશો માટે આગમન પર વિઝા  સુવિધા રદ કરી દીધી છે, જ્યારે મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆએ 16 ફેબ્રુઆરી, 2026 થી ભારતીયોને 'કન્સલ્ટેડ વિઝા' (શ્રેણી C) માં મૂકીને ઈમિગ્રેશન વિભાગની પૂર્વ-મંજૂરી વિના ફ્લાઇટમાં બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફેરફારોને જોતાં વિદેશ પ્રવાસની ટિકિટ કે હોટલ બુક કરાવતા પહેલાં જે-તે દેશની સત્તાવાર વેબસાઇટ પર નવા નિયમો તપાસવા અત્યંત જરૂરી બની ગયા છે.

(5:51 PM IST)