<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

EPFO સભ્યો માટે મોટી ખુશખબર! નિવૃત્તિ પછી દર મહિને પેન્શનની જેમ મળશે ટેક્સ-ફ્રી પૈસા : SWP પર કર મુક્તિ આપવા સરકારની મોટી તૈયારી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નિવૃત્ત સભ્યો માટે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનને મંજૂરી આપ્યા બાદ હવે શ્રમ અને રોજગાર મંત્રાલય આવકવેરા અધિનિયમ, 2025 માં સુધારો કરીને આ નિયમિત ઉપાડ તેમજ નિવૃત્તિ પછીના યોગદાન પર મળતા વ્યાજને સંપૂર્ણપણે કરમુક્ત બનાવવા નાણા મંત્રાલયનો સંપર્ક કરશે કરશે

નવી દિલ્હી. દેશના કરોડો પગારદાર કર્મચારીઓ અને EPFO સભ્યો માટે નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષાને મજબૂત કરતી એક અત્યંત મહત્વની ભેટ મળવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં 19 નવેમ્બર, 2026 ના રોજ યોજાયેલી EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ  ની 240મી બેઠકમાં સભ્યો માટે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન  વિકલ્પને મંજૂરી આપવામાં આવી હતી. આ સુવિધા હેઠળ નિવૃત્ત સભ્યો પોતાની PF બચતની પૂરી રકમ એકસાથે ઉપાડવાને બદલે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક હપ્તામાં ઉપાડી શકશે, જ્યારે ખાતામાં જમા રહેલી બાકીની રકમ પર નિયમિત વ્યાજ મળતું રહેશે. હવે શ્રમ અને રોજગાર મંત્રાલય આવકવેરા અધિનિયમ, 2025 માં જરૂરી સુધારા દ્વારા આ SWP ઉપાડને પણ એકસાથે ઉપાડની જેમ જ સંપૂર્ણ કરમુક્ત દરજ્જો અપાવવા માટે નાણા મંત્રાલય સાથે વાટાઘાટો શરૂ કરી રહ્યું છે.

આ ઉપરાંત, CBT દ્વારા એવો પણ ક્રાંતિકારી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ પોતાના EPF ખાતામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકે, જે સુવિધા હાલના નિયમો હેઠળ ઉપલબ્ધ નથી. હાલમાં 5 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ EPF ની એકસાથે ઉપાડની રકમ કરમુક્ત રહે છે, પરંતુ નિવૃત્તિ પછીના યોગદાન અને તેના પર મળતા વ્યાજ પર કરવેરાની સ્પષ્ટતા જરૂરી હોવાથી શ્રમ મંત્રાલય આ વ્યાજને પણ કરમુક્તિ અપાવવા નાણા મંત્રાલય સમક્ષ રજૂઆત કરશે. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવાર નિર્ણય લઈને જાહેરનામું બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી આ કર મુક્તિ અને યોગદાનના નવા નિયમો અંતિમ ગણાશે નહીં.

આ નવી SWP યોજના નિવૃત્ત કર્મચારીઓની સાથે તેમના પરિવારના ભવિષ્યને પણ સુરક્ષિત બનાવશે, કારણ કે જો કોઈ સભ્ય SWP હેઠળ હપ્તા મેળવતી વખતે મૃત્યુ પામે, તો તેમના નોમિની અથવા આશ્રિતોને બાકીની PF રકમ એકસાથે ઉપાડવાનો અથવા હપ્તામાં ચુકવણી ચાલુ રાખવાનો વિકલ્પ મળશે. આ સુવિધાથી હાલના અને ભવિષ્યના તમામ EPFO સબ્સ્ક્રાઇબર્સને નિવૃત્તિ પછી નિયમિત આવકનો ભરોસાપાત્ર સ્ત્રોત મળશે અને બચતનું વધુ સારું નાણાકીય આયોજન શક્ય બનશે.

(10:16 PM IST)