<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ફ્રાન્‍સમાં વિરોધ પ્રદર્શનોને ડામવા ૭૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા

વિદ્યાર્થીઓ મોંઘવારીનાં વિરોધમાં આજે ફરી દેખાવો કરશે : સિટી હોલ જેવી જાહેર ઈમારતોનાં રક્ષણ માટે પોલીસની વિશેષ ટીમ તૈનાતઃ હેલિકોપ્‍ટર, વોટર કેનન પણ તૈનાત રખાશે : હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહીની ફ્રાન્‍સના ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝની ચેતવણી

પેરિસ,તા.૨૪: શનિવારે સમગ્ર ફ્રાન્‍સમાં ૭૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. પેરિસમાં લૂવ્ર અને અન્‍ય પ્રમુખ સંગ્રહાલયો બંધ રહેશે. વહીવટી તંત્રનો ઉદ્દેશ એ છે કે પ્રસ્‍તાવિત વિરોધ પ્રદર્શન દરમિયાન ફરીથી કોઈ હિસા ન થાય.

ગયા સપ્તાહમાં થયેલા વિરોધ  પ્રદર્શનોએ હિસક સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું. દેખાવકારોએ આગ ચાંપી હતી, જાહેર ઈમારતોમાં ઘૂસી તોડફોડ કરી હતી, દુકાનોનાં કાચ તોડયા હતાં, લૂટફાટ કર હતી અને પોલીસ પર પથ્‍થરમારો કર્યો હતો.

છેલ્‍લા કેટલાક વર્ષોમાં ફ્રાન્‍સમાં  થયેલી આ સૌથી હિસક અશાંતિ હતી. દેખાવકારો શનિવારે ફરીથી સડકો પર ઉતરવાની યોજના બનાવી રહ્યાં છે. દેખાવકારો વધતી મોંઘવારીનો વિરોધ કરી રહ્યાં છે.

આવતીકાલનાં દેખાવોમાં વિદ્યાર્થીઓ, સીજેટી મજૂર સંઘનાં સભ્‍યો અને યલો વેસ્‍ટ આંદોલનનાં કાર્યકરો સામેલ થશે.

ઉલ્‍લેખનીય છે કે ૨૦૧૮ અને ૨૦૧૯માં સામાજિક અન્‍યાય વિરુદ્ધ યલો વેસ્‍ટ આંદોલનનાં કાર્યકરોએ સમગ્ર ફ્રાન્‍સનાં હચમચાવી મૂક્‍યું હતું.

ફ્રાન્‍સનાં ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝે જણાવ્‍યું હતું કે લગભગ ૭૦,૦૦૦ પોલીસ અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત હેલિકોપ્‍ટર, આર્મ્‍ડ વેહીકલ અને વોટર કેનન પણ તૈયાર રાખવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે પોલીસની વિશેષ ટીમો સિટી હોલ જેવી જાહેર ઈમારતાનું રક્ષણ કરવા માટે તૈનાત કરવામાં આવશે.

એક પત્રકાર પરિષદમાં નુનેઝે ચેતવણી આપી છે કે હિસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ધરપકડ કરવામાં ખૂબ જ કડક રહેશે અને ધરપકડ કરાયેલા લોકોને કાયદાકીય પરિણામો સહન કરવા પડશે.

(10:03 AM IST)