<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

JPSC મુખ્ય પરીક્ષા સહિત ૮ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુલતવી: CIDના દરોડા બાદ ચેરમેનનું રાજીનામું : અગ્રણી અધિકારીઓની ધરપકડ

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ: ભૂતપૂર્વ પરીક્ષા નિયંત્રક સહિત ૫ લોકોની ધરપકડ બાદ ૨૫ જુલાઈથી યોજાનારી સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષા અનિશ્ચિત મુદત માટે સ્થગિત : લાખો ઉમેદવારો અદ્ધરતાલ

રાંચી :  ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે અત્યંત આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કમિશન દ્વારા ૨૫ જુલાઈથી આયોજિત થનારી 'સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષા' સહિત અન્ય ૮ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને આગામી આદેશ સુધી અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયામાં સામે આવેલા ગંભીર ગોટાળા અને CID ના ત્રાટકેલા આક્રમક દરોડા બાદ કમિશનમાં ખળભળાટ મચી ગયો છે, જેના કારણે કમિશનની તમામ આગામી પરીક્ષાઓની તારીખો રદ કરવાની ફરજ પડી છે.

આ સમગ્ર કાર્યવાહી પાછળ રાજ્યમાં આકાર પામેલો મોટો ગુનાહિત અને વહીવટી ઘટનાક્રમ જવાબદાર છે. JPSC પરીક્ષા પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઔપચારિક FIR દાખલ કર્યા બાદ, CID ની ટીમે કમિશન સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગોટાળાની પુષ્ટિ કરતા અનેક ડિજિટલ પુરાવાઓ અને ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. પરિણામે, સીઆઈડીએ ત્વરિત કાર્યવાહી કરીને પૂર્વ પરીક્ષા નિયંત્રક (ઈન-ચાર્જ) સહિત પાંચ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની કડક પૂછપરછ ચાલી રહી છે.

CID ના ધડાધડ દરોડા અને ધરપકડના પગલે કમિશનમાં મોટો વહીવટી ભૂકંપ સર્જાયો છે, જેના પરિણામે JPSC ના ચેરમેને પણ નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અચાનક પરીક્ષાઓ મુલતવી રહેતાં ઉમેદવારોમાં અનિશ્ચિતતા અને રોષનો માહોલ છે. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું છે કે પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ નવી તારીખો જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી તમામ ઉમેદવારોને અધિકૃત માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

(7:50 PM IST)