<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

એર ઇન્ડિયાની દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ AI-173માં ઉડાન ભર્યાના 8 કલાક બાદ સર્જાઈ ટેકનિકલ ખામી: 230 મુસાફરો સાથે વિમાનને દિલ્હી એરપોર્ટ પર કરાયું સુરક્ષિત લેન્ડિંગ

હવામાં જ વિમાનના એક એન્જિનમાં આવી ખરાબી: પાયલટે મધદરિયે યુ-ટર્ન લઈ દિલ્હી પરત ફરવાનો લીધો નિર્ણય, મુસાફરોને હોટેલમાં રોકાણની વ્યવસ્થા કરાઈ

નવી દિલ્હી તા.૨૭ :  એર ઇન્ડિયાની દિલ્હી થી સેન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટ AI-173ને મંગળવારે ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. વિમાને ઉડાન ભર્યાના લગભગ 8 કલાક બાદ હવામાં જ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. વિમાનમાં 230 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા.  

 

પ્રાપ્ત માહિતી મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-173 મંગળવારે સવારે 3:20 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સેન ફ્રાન્સિસ્કો જવા રવાના થઈ હતી. વિમાન રશિયાના એરસ્પેસમાં પહોંચ્યું ત્યારે પાયલટને વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. નિયમ મુજબ લાંબા અંતરની ફ્લાઇટમાં એક એન્જિન ખરાબ થાય તો નજીકના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવું પડે છે.  

 

પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને પરિસ્થિતિની જાણ કરી હતી. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિમાનને મધદરિયેથી જ પરત દિલ્હી લાવવાનો નિર્ણય લેવાયો હતો. લગભગ 8 કલાક હવામાં રહ્યા બાદ બપોરે 12:15 વાગ્યે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.  

 

એર ઇન્ડિયાએ નિવેદન જારી કરીને જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટને પરત લાવવી પડી હતી. તમામ 230 મુસાફરો સુરક્ષિત છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમામ મુસાફરો માટે હોટેલમાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.  

 

એરલાઇન દ્વારા વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટેકનિકલ ટીમ દ્વારા વિમાનની ખામીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. DGCAએ પણ આ ઘટનાની નોંધ લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

(3:49 PM IST)