<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

પશ્ચિમ ગ્રામીણ તુર્કીમાં ગોળીબારમાં ૮ લોકોના મોત

તુર્કીમાં સામૂહિક હત્‍યાકાંડ : બંદૂકધારીએ ૩ અલગ અલગ ગામોમાં તાંડવ મચાવ્‍યો : પોલીસ શંકાસ્‍પદ વ્‍યક્‍તિને પકડવા માટે મોટા પાયે શોધખોળ કરી રહી છે

ઇસ્‍તાંબુલ : ગુરુવારે તુર્કીમાં ત્રણ ગામોમાં ગોળીબારમાં આઠ લોકોના મોત થયા અને એક વ્‍યક્‍તિ ગંભીર રીતે ઘાયલ થયો. શંકાસ્‍પદ હુમલાખોરને શોધવા માટે પોલીસ એક મોટી શોધ કામગીરી હાથ ધરી રહી છે.

અફયોનકારાહિસર ગવર્નર ઓફિસે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ‘દુર્ભાગ્‍યવશ, અમારા પ્રાંતમાં સશષ હુમલામાં આઠ નાગરિકોએ જીવ ગુમાવ્‍યા છે અને એક વ્‍યક્‍તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.' આ ઘટના રાજધાની અંકારા અને દરિયાકાંઠાના શહેર ઇઝમીર વચ્‍ચે સ્‍થિત અફયોનકારાહિસર શહેર નજીકના ગ્રામીણ વિસ્‍તારમાં બની હતી.

અનાડોલુ સમાચાર એજન્‍સી અનુસાર, યુકારિતાંદિર ગામમાં એક રસ્‍તા પર ગોળીબારમાં ઘાયલ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્‍યા. તેમને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા, પરંતુ બંનેના મોત થયા. કિયિર ગામમાં ત્રણ અને અયાઝીની ગામમાં ત્રણ મૃતદેહ મળી આવ્‍યા.

હોસ્‍પિટલમાં ગંભીર હાલતમાં એક વ્‍યક્‍તિ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે.

તુર્કી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં કાળા જેકેટ, સફેદ ટ્રાઉઝર અને ચશ્‍મા પહેરેલા એક માણસને લાલ મિનિવાન પાસે રાઇફલ પકડીને ઉભો જોવા મળે છે.

પોલીસે પાછળથી એસ્‍કીશેહિર યુનિવર્સિટી શહેરની બહાર કાદવમાં ફસાયેલ લાલ વાહન શોધી કાઢ્‍યું. શંકાસ્‍પદ વ્‍યક્‍તિ પગપાળા ભાગી ગયો. એસ્‍કીશેહિર ઘટનાસ્‍થળથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉત્તરમાં છે.

ડીએચએ ન્‍યૂઝ એજન્‍સી અનુસાર, તપાસકર્તાઓ અફયોનકારાહિસર શહેરના કેન્‍દ્રમાં અગાઉની ઘટના સાથે જોડાણ શોધી રહ્યા છે, જેમાં એક મહિલાને ગોળી મારીને ગંભીર ઈજા થઈ હતી. પોલીસ શંકાસ્‍પદ વ્‍યક્‍તિને પકડવા માટે વ્‍યાપક શોધખોળ કરી રહી છે. 

(10:05 AM IST)