<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

૧૧ હજાર વોલ્‍ટની વીજલાઇનના સંપર્કમાં આવતા ૮ મજૂરોના મોત

રાજસ્‍થાનના ઝુંઝુનુમાં મોટી દુર્ઘટનાઃ છાપોલીમાં રોડ નિર્માણ કામગીરી દરમિયાન મોટી દુઘર્ટના સર્જાઇ

ઝુંઝુનુ,તા.૦૨:  રાજસ્‍થાનના ઝુંઝુનુના છાપોલીમાં રોડ નિર્માણ કામગીરી દરમિયાન મોટી દુઘર્ટના સર્જાઇ છે. અહીં રોડ બનાવનારી મશીન ૧૧ હજાર વોલ્‍ટની વીજળી લાઇનના સંપર્કમાં આવી ગઇ છે. આ દુર્ઘટનામાં કરંટ લાગતા ૮ મજૂરોના મોત થયા છે જ્‍યારે ૩ ઘાયલ થયા છે. ધારાસભ્‍ય ભગવાનારામ સૈનીએ પણ દુર્ઘટનાની જાણકારી આપતા જણાવ્‍યું કે, તે ઘટનાસ્‍થળ માટે રવાના થઇ રહ્યા છે. બીજી તરફ ઊર્જા મંત્રીએ ઘટનાને દુઃખદ ગણાવી છે.

રોડ નિર્માણ દરમિયાન મશીન હાઇટેન્‍શન લાઇન સાથે ટકરાઇ ઝુંઝુનુ કલેક્‍ટર અરૂણ ગર્ગ પાસેથી મળેલી જાણકારી અનુસાર, ઉદયપુરવાટી ક્ષેત્રના છાપોલી ગામમાં ગ્રામીણો તરફથી જનસહયોગ સાથે રોડ બનાવવાનું કામ ચાલતું હતું. રસ્‍તાના નિર્માણ કાર્ય માટે સાઇટ પર કાંકરી-પથ્‍થર મિશ્રિત કરવાનું મશીન ગોઠવવામાં આવ્‍યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, મશીન ઉપરથી પસાર થતી ૧૧૦૦૦ વોલ્‍ટની વીજ લાઇનના સંપર્કમાં આવી ગયું. હાઇટેન્‍શન લાઇનના સંપર્કમાં આવતાં જ મશીનમાં વીજપ્રવાહ આવી ગયો અને તેની નજીક કામ કરી રહેલા કામદારોને વીજળીનો આંચકો લાગ્‍યો હતો.

આ દુર્ઘટના કદમ કુંડ તરફ જતા રસ્‍તા પર બની હતી. અચાનક કરંટ ફેલાતા ઘટનાસ્‍થળે કામ કરતા મજૂરો તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટના બાદ બુમાબુમ થતા સ્‍થાનિકો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને હોસ્‍પિટલ પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરી હતી. આ દર્દનાક દુર્ઘટનાએ ગ્રામીણ વિસ્‍તારમાં રોડ નિર્માણ દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થાને લઇને ગંભીર સવાલ ઉઠાવ્‍યા છે.

પહેલા ૫ મજૂરોએ ગુમાવ્‍યો જીવ તે બાદ ૩ના મોત થયાઃ ઝુંઝુનુ જિલ્‍લા કલેક્‍ટર અરુણ ગર્ગે જણાવ્‍યું કે તેમણે ફોનના માધ્‍યમથી છાપોલીમાં રોડ નિર્માણ દરમિયાન દુર્ઘટનાની સૂચના મળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગામના લોકો જનસહયોગ સાથે રોડનું નિર્માણ કરાવતા હતા. આ દરમિયાન નિર્માણ કાર્યમાં ઉપયોગ થતી મશીન હાઇટેન્‍શન વીજળી લાઇનના સંપર્કમાં આવી ગઇ હતી.

કલેક્‍ટર અનુસાર, કરંટ લાગતા શરૂઆતમાં ૫ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. તે બાદ સારવાર દરમિયાન અન્‍ય ત્રણ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. સૂચના મળ્‍યા બાદ જિલ્‍લા કલેક્‍ટરે ઘટનાસ્‍થળ માટે રવાના થવાની જાણકારી આપી હતી. દુર્ઘટનાની જાણ થતા ધારાસભ્‍ય ભગવાનરામ સૈનીએ પણ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે તે ઘટનાસ્‍થળ માટે રવાના થઇ રહ્યા છે. રાજ્‍યના ઊર્જા મંત્રીએ દુર્ઘટનાને દુઃખદ ગણાવતા ઘટના પર સંવેદના વ્‍યક્‍ત કરી છે

(3:23 PM IST)