<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ડોક્‍ટરની એપોઇન્‍ટમેન્‍ટ બુક કરાવવા યુપીઆઇથી પાંચ રૂપિયા ટોકન ચૂકવ્‍યા ૮.૧૮ લાખ ગુમાવ્‍યા

થાણે તા.૬: થાણે જિલ્‍લાના કલ્‍યાણની ૫૧ વર્ષની મહિલાએ ડોક્‍ટરની ઓનલાઇન એપોઇન્‍ટમેન્‍ટ બુક કરવાના પ્રયાસમાં ૮.૧૮ લાખ રૂપિયા ગુમાવ્‍યા હતા. મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અજાણ્‍યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

હોસ્‍પિટલ શોધવા અને સંપર્ક કરવા માટેની વિગતો જાણવા મહિલાએ ડોક્‍ટરનું નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું અને એપોઇન્‍ટમેન્‍ટ બુક કરવા માટે તેણે ઓનલાઇન આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક સાધ્‍યો હતો. સામેની વ્‍યક્‍તિએ પોતે ડોક્‍ટર હોવાનું જણાવ્‍યું હતું અને મહિલા સાથે હિન્‍દીમાં વાત કરી હતી. તેણે મહિલા પાસે તેનો વ્‍હોટ્‍સઍપ નંબર માગ્‍યો હતો અને ઍપ્‍લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. તેણે મહિલાને એપીકે ફાઇલ મોકલી હતી અને યુપીઆઇ દ્વારા પાંચ રૂપિયા ટોકન ચૂકવવા માટે કહ્યું હતું.

૩૦ જુલાઇએ મહિલા હોસ્‍પિટલમાં પહોંચી ત્‍યારે તેના કર્મચારીઓએ તેમની સિસ્‍ટમમાં જોયા બાદ મહિલાને જણાવ્‍યું હતું કે તેના નામે કોઇ એપાઇન્‍ટમેન્‍ટ બુક કરાઇ નથી. કર્મચારીઓએ સ્‍પષ્ટતા કરી હતી કે હોસ્‍પિટલ ઓનલાઇન બુકિગ સિસ્‍ટમ ઓફર કરતી નથી અને મહિલાએ આપેલો નંબર ખોટો છે અને તે હોસ્‍પિટલનો નથી.

૨ ઓગસ્‍ટે મહિલાને જાણવા મળ્‍યું હતું કે તેના મોબાઇલમાં ડાઉનલોડ કરેલી એપીકે ફાઇલ દ્વારા અનેક અનધિકૃત ટ્રાન્‍ઝેક્‍શન્‍સ મારફત તેના બેંક ખાતામાંથી ૮.૧૮ લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા છે. મહિલાએ આ પ્રકરણે સાયબર સેલમાં ઔપચારિક ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્‍યાર બાદ ૩ ઓગસ્‍ટે ખડકપાડા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધ્‍યો હતો, જ્‍યાં તેનું નિવેદન નોંધવામાં આવ્‍યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો

(9:50 AM IST)