<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓના વેતનમાં ચાર ગણો તોતિંગ વધારો થવાની સંભાવના, લઘુત્તમ પગાર રૂ.72,000 કરવાની માંગ સાથે આંદોલન તેજ

ફિટમેન્ટ ફેક્ટરમાં જંગી વધારા અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટના દરમાં બમણા ઉછાળાના પ્રસ્તાવથી કેન્દ્રીય કર્મચારીઓમાં ભારે ઉત્સાહ, મોંઘવારીના માર સામે પગાર માળખામાં અત્યાર સુધીના સૌથી મોટા ફેરફારની તૈયારી

નવી દિલ્હી: દેશભરમાં 8મા પગાર પંચને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ આક્રમક માંગણીઓ રજૂ કરી છે. ભારતીય પ્રતિરક્ષા મઝદૂર સંઘ (BPMS) અને અન્ય સંગઠનોએ લઘુત્તમ મૂળભૂત પગાર વર્તમાન રૂ.18,000 થી વધારીને સીધો રૂ.72,000 કરવાની માંગ કરી છે. જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે, તો નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં ચાર ગણો વધારો થશે. આ ઉપરાંત, ઉચ્ચ સ્તરીય હોદ્દાઓ માટે મહત્તમ પગાર મર્યાદા રૂ.10 લાખ સુધી લઈ જવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, જે સરકારી ક્ષેત્રમાં ઐતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે.રૂ.
પગાર વધારાના પાયા સમાન 'ફિટમેન્ટ ફેક્ટર'ને પણ હાલના 2.57 થી વધારીને 4 સુધી લઈ જવાની માંગ કરવામાં આવી છે. પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમ જેવા સંગઠનોએ તર્ક આપ્યો છે કે વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ ફેરફારો અનિવાર્ય છે. સંગઠનોએ વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો દર પણ વર્તમાન 3 ટકાથી વધારીને 6 થી 7 ટકા કરવાની દરખાસ્ત મૂકી છે. આ પગલાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોની માસિક આવકમાં મોટો ઉછાળો જોવા મળશે.

કેન્દ્ર સરકાર અત્યારે આ તમામ પાસાઓ અને આર્થિક બોજનું વિશ્લેષણ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં જો સરકાર મધ્યમ માર્ગ અપનાવે તો પણ લઘુત્તમ પગારમાં નોંધપાત્ર વૃદ્ધિ નિશ્ચિત છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે 7મા પગાર પંચની મર્યાદાઓ હવે કાળબાહ્ય થઈ ગઈ છે, તેથી નવા માળખામાં ફુગાવાને સંતુલિત કરે તેવા પગાર ધોરણો હોવા જોઈએ. જો આ માંગણીઓ સંતોષાય છે, તો તે તાજેતરના દાયકાઓમાં સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા 'ગુડ ન્યૂઝ' સાબિત થશે.

(4:07 PM IST)