તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ માટે 'લોટરી' લાગશે? બંધ બારણે યોજાયેલી બેઠકમાં મોટી માંગણીઓ
ન્યૂનતમ પગાર ₹69,000 કરવાની તૈયારી અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 6% કરવાની માંગ : JCM એ પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ સમક્ષ કર્મચારીઓનો પક્ષ મજબૂતીથી મૂક્યો

નવી દિલ્હી: દિલ્હીના ચંદ્રલોક બિલ્ડીંગમાં આજે સવારે 8મા પગાર પંચની અત્યંત મહત્વની અને ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેણે દેશના 36 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓની આશા જગાવી દીધી છે. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ અને JCM (જોઈન્ટ કન્સલ્ટટિવ મશીનરી) ના પ્રતિનિધિ શિવ ગોપાલ મિશ્રા સામસામે હતા. બેઠકનો મુખ્ય એજન્ડા ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર અને ભથ્થાંમાં ધરખમ વધારો કરવાનો હતો. કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે વધતી મોંઘવારી સામે હવે જૂના માપદંડો ચાલશે નહીં અને કર્મચારીઓને તેમના હકનું વળતર મળવું જ જોઈએ.
બેઠકમાં રજૂ કરાયેલી માંગણીઓ જો સ્વીકારવામાં આવે, તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. JCM એ લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 થી વધારીને સીધો ₹69,000 કરવાની અને ફિટમેન્ટ ફેક્ટરને 3.83 સુધી લઈ જવાની માંગ કરી છે. આ ઉપરાંત, સૌથી નોંધપાત્ર માંગ વાર્ષિક પગાર વધારા (Increment) ને 3% થી વધારીને 6% કરવાની છે. કર્મચારી નેતાઓએ તર્ક આપ્યો હતો કે બેંકિંગ ક્ષેત્રમાં દર 5 વર્ષે પગાર સુધારો થાય છે, જ્યારે સરકારી ક્ષેત્રમાં 10 વર્ષનો લાંબો ઈંતેજાર કરવો પડે છે, જે અન્યાયી છે.
પગાર ઉપરાંત, ગણતરીની પદ્ધતિમાં રહેલા લિંગ ભેદભાવ સામે પણ શિવ ગોપાલ મિશ્રાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે અગાઉની ગણતરીમાં મહિલાઓને 0.8 યુનિટ ગણવામાં આવતી હતી, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હવે માંગ કરવામાં આવી છે કે પરિવારના દરેક સભ્ય, પછી તે મહિલા હોય કે બાળકો, તમામને એક યુનિટ ગણીને જ પગાર અને ભથ્થાં નક્કી થવા જોઈએ. આ સાથે જ 'જૂની પેન્શન યોજના' (OPS) ને પુનઃસ્થાપિત કરવાની માંગ પણ બેઠકમાં ગુંજી હતી. હવે જોવાનું એ રહેશે કે કમિશન આ 'સકારાત્મક' ચર્ચાને અંતિમ રિપોર્ટમાં કેટલી જગ્યા આપે છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
