<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

૯ દિવસ બાદ ટનલના કાટમાળમાંથી નેપાળમાં આવેલ વિનાશક પૂર હોનારત બાદ રસુવા અને ત્રિશૂલી ૩એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની કાટમાળથી દબાયેલી ટનલમાં ફસાયેલા બે શ્રમિકો જીવતા નીકળ્યા: નેપાળની મહાહોનારતમાં આશાનું કિરણ: હિમાલયન સુનામીમાં ૧૨૫૯ના મોત, ૫૦૮૩ હજુ ગુમ: સ્વજનોની ભાળ ન મળતાં પવિત્ર "કુશા ઘાસ"ના પૂતળાથી પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરાયા: વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટોમાં કામ કરતા ૯૦૦ શ્રમિકો લાપતા: ૫૦૦ શ્રમિકો અલગ અલગ સુરંગોમાં ફસાયેલા છે

કાઠમંડુ, તા. ૪ : ૨૬ ઓગસ્ટે નેપાળમાં આવેલી વિનાશક પૂર હોનારત બાદ રસુવા અને ત્રિશૂલી ૩એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની કાટમાળથી દબાયેલી ટનલમાં ફસાયેલા બે શ્રમિકોને નવ દિવસ બાદ જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક ૧૨૫૯ સુધી પહોંચ્યો છે અને ૫૦૮૩ લોકો હજુ ગુમ હોવાનું જણાવાયું છે.

 

કુદરતી હોનારતનો સામનો કરી રહેલા નેપાળમાંથી નવ દિવસ બાદ રાહત અને આશાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ ઓગસ્ટે આવેલા વિનાશક પૂર અને હિમસ્ખલન બાદ રસુવા તથા ત્રિશૂલી ૩એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારમાં કાટમાળથી દબાયેલી ટનલમાં ફસાયેલા બે શ્રમિકોને શુક્રવારે સુરક્ષિત રીતે જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.

 

નેપાળના ઊર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને ગૃહ મંત્રી સૂદન ગુરુંગે બંને શ્રમિકોના સુરક્ષિત બચાવની પુષ્ટિ કરી છે. નેપાળી સેનાના નેતૃત્વમાં ચાલી રહેલા બચાવ અભિયાનમાં મળેલી આ સફળતાથી હજુ ટનલ અને કાટમાળમાં ફસાયેલા અન્ય લોકો જીવતા હોવાની આશા ફરી જાગી છે.

 

બીજી તરફ નેપાળમાં પૂર અને હિમસ્ખલનથી સર્જાયેલી તબાહીનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાષ્ટ્રીય આપદા જોખમ ન્યુનીકરણ અને પ્રબંધન પ્રાધિકરણના આંકડા મુજબ ગુરુવાર સુધીમાં ભોટેકોશી નદીના વિસ્તારમાં આવેલી ભયાનક પૂરની હોનારતમાં મૃત્યુઆંક ૧૨૫૯ સુધી પહોંચી ગયો છે, જ્યારે ૫૦૮૩ લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે.

 

અહેવાલો મુજબ વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટોમાં કામ કરતા આશરે ૯૦૦ શ્રમિકો લાપતા છે. તેમાંથી અંદાજે ૫૦૦ શ્રમિકો અલગ અલગ સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ ટુકડીઓ કાટમાળ હટાવીને અને ટનલોમાં પ્રવેશવાના માર્ગો શોધીને કામગીરી ચાલુ રાખી રહી છે.

 

દરમિયાન અનેક દિવસો વીતી જવા છતાં સ્વજનોની કોઈ ભાળ ન મળતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં શોકનું વાતાવરણ ઘેરાયું છે. રસુવા જિલ્લાના પહરેબેસી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં પરિવારોએ હિન્દુ પરંપરા મુજબ પવિત્ર ગણાતા કુશા ઘાસમાંથી પૂતળા બનાવી લાપતા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું છે. ભારે વિનાશને કારણે અનેક મૃતદેહોની ઓળખ શક્ય ન બનતાં પરિવારો માટે પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપવી પણ અત્યંત મુશ્કેલ બની છે.

(10:28 AM IST)