<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૯૯ ટકા લોકો જે ધર્મમાં જન્‍મે છે, એ જ ધર્મમાં મૃત્‍યુ પામે છે

જાવેદ અખ્‍તરે ધર્મ પર ઉઠાવ્‍યા સવાલ

મુંબઈ,તા.૭: જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્‍તરે ફરી એકવાર ધર્મ અને આસ્‍થાને લઈને પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા છે. એક વાતચીત દરમિયાન તેણે સવાલ કર્યો કે શું લોકો ખરેખર પોતાના ધર્મની પસંદગી કરે છે કે પછી બાળપણથી માતા-પિતા પાસેથી મળેલી માન્‍યતાઓને જ જીવનભર અનુસરે છે. જાવેદ અખ્‍તરે દાવો કર્યો કે ૯૯ ટકા લોકો જે ધર્મમાં જન્‍મે છે, એ જ ધર્મમાં મૃત્‍યુ પામે છે.

જાવેદ અખ્‍તરે કહ્યું કે મુશ્‍કેલ સમયમાં ધર્મ લોકોને માનસિક સહારો અને શાંતિ આપી શકે છે, પરંતુ માત્ર શાંતિ મળવી એ કોઈ માન્‍યતા સાચી હોવાનો પુરાવો નથી. તેમના મતે, લોકો ઘણીવાર કોઈ સર્વોચ્‍ચ શક્‍તિમાં એટલા માટે વિશ્વાસ રાખે છે કારણ કે તેનાથી તેમને એવું આશ્વાસન મળે છે કે કોઈ તેમની સંભાળ રાખી રહ્યું છે. તેણે આવી માન્‍યતાને તર્કની લ્લષ્ટિએ પ્રશ્નાર્થ ગણાવી હતી.

આ વાત સમજાવવા માટે જાવેદ અખ્‍તરે એલોન મસ્‍કનું ઉદાહરણ આપ્‍યું હતું. તેણે કહ્યું કે, જો કોઈ વ્‍યક્‍તિ પોતાના મનમાં એવું માની લે કે એલોન મસ્‍ક તેનો ભાઈ છે અને આગામી મહિને તેને અબજો ડોલર મોકલવાનો છે, તો માત્ર એ માન્‍યતાથી પણ તેને ખુશી અને સુરક્ષાની લાગણી થઈ શકે છે. પરંતુ તેનાથી એ માન્‍યતા હકીકત બની જતી નથી.

જાવેદ અખ્‍તરે ધર્મની પસંદગી અંગે પણ સવાલ કર્યો હતો. તેના કહેવા પ્રમાણે, દુનિયાના મોટાભાગના લોકો પોતે વિચારીને કોઈ ધર્મ પસંદ કરતા નથી, પરંતુ જન્‍મથી મળેલી માન્‍યતાઓને સ્‍વીકારે છે. પોતાના વિચારો સમજાવતા જાવેદ અખ્‍તરે કહ્યું કે તે વ્‍યક્‍તિ પર નહીં પરંતુ વિચાર, તર્ક અને કારણ પર વિશ્વાસ કરે છે. આ વાતના આધારે તેણે કહ્યું કે લગભગ ૯૯ ટકા લોકો તે જ ધર્મમાં મરે છે, જેમાં જન્‍મ્‍યા હતા.

જાવેદ અખ્‍તરે ધાર્મિક વિશ્વાસને લઈને પણ વાત કરી હતી.  તેના મતે કોઈ વ્‍યક્‍તિ કાલે પોતાનો અભિપ્રાય બદલી શકે છે, તેથી વ્‍યક્‍તિને નહીં પરંતુ તેના વિચારને તપાસવો જોઈએ. કોણ કહી રહ્યું છે, એનાથી વધારે જરૂરી છે કે તે જે કહી રહ્યું છે તેમાં કેટલો દમ છે.

(10:35 AM IST)