<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ચાઉમીન ખાધા બાદ ૧૨ વર્ષની બાળકીનું મોત

૧૨ વર્ષની બાળકીએ નવરાત્રિના વ્રત પૂરા કર્યા, દશેરાએ માત ચામુંડા મંદિરે દર્શન કરવા ગઈ, ચાઉમીન ખાતાં જ મોત

કાસગંજ તા.૨૧: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્‍લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૧૨ વર્ષની બાળકીનું મોત થયું છે. તેના મોતનું કારણ ચાઉમીન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ૨૦ ઑક્‍ટોબરે દશેરાના દિવસે બાળકી પરિવાર સાથે મંદિરે ગઈ હતી. મંદિર પાસે મેળો ભરાયો હતો. ત્‍યાં બાળકીએ ચાઉમીન અને આઇસક્રીમ ખાધાં હતાં. ત્‍યાર બાદ તેની તબિયત બગડી અને તેનું મોત થયું હતું. અધિકારીઓને શંકા છે કે ખોરાકનો કોઈ ટુકડો તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો હશે, જેના કારણે તેનું મોત થયું. ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

મળતી માહિતી અનુસાર, એટા જિલ્‍લાના મિરહચી નગરની રહેવાસી અને ધોરણ ૧૦માં અભ્‍યાસ કરતી તાનુ શ્રીવાસ્‍તવ ૯ દિવસનું વ્રત પૂરું કર્યા બાદ સોમવારે બપોરે પરિવાર સાથે કાસગંજમાં આવેલા માતા ચામુંડા દેવીના મંદિરે પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્‍યું કે પૂજા-અર્ચના કર્યા બાદ તેણે મંદિર પરિસરમાં ભરાયેલા મેળામાં ચાઉમીન અને આઇસક્રીમ ખાધાં હતાં. સાંજે લગભગ ૪:૩૦ વાગ્‍યે ઘરે પરત ફરતી વખતે તે અચાનક બેચેન થઈ ગઈ અને તેને ઊલટી થવા લાગી હતી.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, પરિવાર તેને કાસગંજની કલાવતી હોસ્‍પિટલમાં લઈ ગયો હતો, જ્‍યાં ડોક્‍ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એટાના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રાજેન્‍દ્ર પ્રસાદે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઊલટી કરતી વખતે ચાઉમીનનો કોઈ ટુકડો બાળકીની શ્વાસનળીમાં ફસાઈ ગયો હોઈ શકે છે, જેના કારણે તેનું મોત થયું હતું.

તેમણે જણાવ્‍યું કે પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જ મોતનું સાચું કારણ સ્‍પષ્ટ થશે. મૃતક ૧૨ વર્ષની બાળકી ધ એન્‍જલ ફયુચર સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી હતી. તેના પિતા શરદ શ્રીવાસ્‍તવ આસામના ડિબ્રુગઢમાં એક ખાનગી કંપનીમાં ટેક્રિશિયન તરીકે કામ કરે છે.

(9:57 AM IST)