તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
સ્માર્ટફોન લેવા ૧૩ વર્ષની પૌત્રીએ દાદાની હત્યા કરાવી
વીડિયો કોલ પર ઘટના લાઈવ નિહાળીઃ બોયફ્રેન્ડને જ આપી સોપારીઃ કેરળમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમારી રૂહ કંપી ઉઠશે : સમગ્ર કેસમાં પોલીસે ૧૩ વર્ષની સગીરા સહિત ૪ સગીરોની ધરપકડ કરી

કોચી તા.૨૦: કેરળના અલપ્પુઝા જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૧૩ વર્ષની પૌત્રી પર પોતાના ૬૭ વર્ષના દાદા શિવનકુટ્ટીની હત્યાનું કાવતરું રચવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી સોનાના દાગીના પણ ચોરી કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે ૧૩ વર્ષની પૌત્રી સહિત ૪ સગીરોને કસ્ટડીમાં લીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શિવનકુટ્ટી હરિપાડના કરુવટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ઘટના સમયે તેઓ ઘરમાં એકલા હતા. તેમની લાશ ઘરની અંદરથી મળી આવી હતી, તેમના હાથ-પગ બાંધેલા હતા અને ગળામાં કસીને કપડું બાંધવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા હતી કે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોઈ શકે છે. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક ટીમ તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને આ કેસમાં ૧૩ વર્ષની પૌત્રીની કથિત ભૂમિકા વિશે જાણકારી મળી હતી. પોલીસનો આરોપ છે કે મૃતક તેના સગા હતા અને હત્યાના સમગ્ર કાવતરામાં પૌત્રીની મહત્વની ભૂમિકા હતી. તેણે કથિત રીતે અન્ય સગીર આરોપીઓને વૃદ્ધના ઘરનું સ્થળ અને તેની સાથે જોડાયેલી જરૂરી માહિતી આપી હતી. ત્યારબાદ ૧૭ વર્ષના ૩ સગીરો પર હત્યાને અંજામ આપવામાં સામેલ હોવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વૃદ્ધની હત્યા કર્યા બાદ ઘરમાંથી સોનાના દાગીના કથિત રીતે ચોરી કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આ ચોરાયેલા દાગીના વેચીને પૈસા મેળવવાનો પ્લાન હતો. પોલીસનું કહેવું છે કે આ રકમથી સગીરા અને અન્ય આરોપીઓ માટે કેટલીક મોંઘી વસ્તુઓ ખરીદવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતીમાં સગીરા પોતાના માટે iPhone અને તેના પ્રેમી માટે બાઇક ખરીદવા માગતી હોવાની વાત પણ સામે આવી છે, જોકે આ મામલે તપાસ હજુ ચાલી રહી છે.
આ કેસનો સૌથી ચોંકાવનારો પાસું આરોપીઓ વચ્ચે થયેલા વીડિયો કોલ સાથે જોડાયેલો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ અન્ય સગીર આરોપીઓએ સગીરાને વીડિયો કોલ કર્યો અને તેને તેના દાદાની લાશ બતાવી હતી. એટલે કે જે પૌત્રી પર કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે, તેને ઘટના બાદની સ્થિતિની જાણકારી વીડિયો કોલ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ હવે એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના પહેલાં અને બાદમાં આરોપીઓ વચ્ચે કેટલી વખત વાતચીત થઈ હતી.
શરૂઆતમાં પોલીસને આ મામલો સામાન્ય ચોરી અથવા લૂંટ દરમિયાન થયેલી હત્યા જેવો લાગ્યો હતો, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને તપાસ દરમિયાન સામે આવેલી જાણકારીઓએ પોલીસનું શંકાનું કેન્દ્ર સગીરો તરફ ફેરવી દીધું હતું. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ૧૩ વર્ષની પૌત્રી અને અન્ય ૩ સગીર આરોપીઓને પકડી લીધા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, હત્યા પાછળનો મુખ્ય હેતુ ઘરમાં રહેલા સોનાના દાગીના મેળવવાનો હતો. આરોપ છે કે સગીરોએ વૃદ્ધની હત્યા કર્યા બાદ ઘરમાંથી સોનું કાઢી લીધું અને તેને વેચીને પૈસા મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. આ પૈસાનો ઉપયોગ સગીરા અને તેના સાથીઓ માટે મોંઘી વસ્તુઓ ખરીદવા માટે કરવાનો હતો. પોલીસ હવે ચોરાયેલા સોના અને તેની સાથે જોડાયેલા વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.
હાલમાં પોલીસ આ કેસમાં તમામ સગીર આરોપીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. એ પણ જાણવા મળી રહ્યું છે કે હત્યાનો પ્લાન ક્યારે બનાવવામાં આવ્યો, આરોપીઓ ઘરમાં કેવી રીતે પ્રવેશ્યા અને હત્યા બાદ સોનાના દાગીના ક્યાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં એ પણ મહત્વનું રહેશે કે ૧૩ વર્ષની સગીરાએ કથિત રીતે બાકીના આરોપીઓને કઈ માહિતી અને સૂચનાઓ આપી હતી. કેસ સાથે જોડાયેલી અન્ય હકીકતો જાણવા માટે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
