<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

આસામમાં મેઘરાજાનું રોદ્ર સ્‍વરૂપ ૩૦૦ મીટર લાંબો લોખંડનો પુલ તૂટયોઃ ટ્રેનો રદ્દ

પૂર અને ભૂસ્‍ખલનમાં ભારે તબાહીઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

દિસપુર, તા.૨૯: પૂર્વોત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ કાળ બનીને તૂટી પડ્‍યો છે. આસામ અને અરુણાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂર અને ભૂસ્‍ખલનની સ્‍થિતિએ જનજીવનને સંપૂર્ણપણે બાનમાં લીધું છે. આસામના ધેમાજી જિલ્લામાં એક ઘટના સામે આવી છે, જેમાં કેમીની નદીના ધસમસતા પ્રવાહમાં માત્ર એક વર્ષ પહેલાં જ બનેલો ૩૦૦ મીટર લાંબો લોખંડનો મજબૂત પુલ પત્તાના મહેલની જેમ જોતજોતામાં વહી ગયો હતો. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર બપોરના સમયે નદીનું જળસ્‍તર એટલી ઝડપે વધ્‍યું કે લોખંડનું આખું માળખું પાણીના પ્રવાહ સામે ટકી શકયું નહીં. આ અકસ્‍માતને કારણે કેમીની-ઓલ્‍ડ જેલોમ વિસ્‍તાર અને જોનાઈ સદર વચ્‍ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી હજારો લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. સ્‍થાનિકોએ આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે તેઓએ પહેલાથી જ અહીં કોંક્રિટનો કાયમી પુલ બનાવવાની માંગ કરી હતી, પરંતુ તંત્રએ તેમની વાતને નજરઅંદાજ કરી હતી.

આ આકાશી આફતની સીધી અસર પ્રદેશના રેલ વ્‍યવહાર પર પણ પડી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. ધેમાજી જિલ્લામાં સિમેન નદીના અવિરત પ્રવાહ અને તીવ્ર ધોવાણને કારણે વર્ષ ૧૯૬૫માં બનેલા એક ઐતિહાસિક રેલવે પુલનો પાયો હલી ગયો છે. ભારે વરસાદને કારણે આ પુલનો એક મુખ્‍ય થાંભલો અસ્‍થિર બની જતાં રેલવે પ્રશાસને તુરંત જ આ રૂટ પર ટ્રેન સેવાઓ સ્‍થગિત કરી દીધી છે. નોર્થઈસ્‍ટ ફ્રન્‍ટિયર રેલવેના જણાવ્‍યા અનુસાર, વિસ્‍તારમાં ૧૧૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે આર્ચીપથર અને સિમેન છાપરી સ્‍ટેશનો વચ્‍ચેનો સંપર્ક કપાઈ ગયો છે. તિનસુકિયા વિભાગ હેઠળ મુરકોંગસેલેક અને સિલાપથર વચ્‍ચે દોડતી ટ્રેનોને હાલ પૂરતી સિલાપથર સ્‍ટેશને જ રોકી દેવામાં આવી છે અને સ્‍થિતિ સામાન્‍ય ન થાય ત્‍યાં સુધી આ વ્‍યવસ્‍થા ચાલુ રહેશે.

બીજી તરફ, પાડોશી રાજ્‍ય અરુણાચલ પ્રદેશમાં પણ સ્‍થિતિ અત્‍યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. અહીં કેયી પાન્‍યોર જિલ્લામાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે, જેમાં નીપકો કોલોની અને તેની આસપાસના વિસ્‍તારોમાંથી પાંચ લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા.

(1:12 PM IST)