<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કટરામાં વૈષ્‍ણોદેવી મંદિરમાં ૭૦ કિલોનું પંચધાતુનું શ્રીયંત્ર કરવામાં આવ્‍યું અર્પણ

ઉત્તર ગુજરાતમાં આવેલી શક્‍તિપીઠ અને યાત્રાધામ અંબાજીના અંબાજી મંદિર ટ્રસ્‍ટના સહયોગથી

કટરા તા.૨૬: ઉત્તર ગુજરાતમાં આવેલી શક્‍તિપીઠ અને યાત્રાધામ અંબાજીના અંબાજી મંદિર ટ્રસ્‍ટના સહયોગથી અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા જમ્‍મુ-કાશ્‍મીરના કટરામાં આવેલા યાત્રાધામ વૈષ્‍ણોદેવી ધામમાં પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર અને ૫૧ શક્‍તિપીઠોની માટીમાંથી તૈયાર કરાયેલું વિશિષ્ટ શ્રીયંત્ર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવ્‍યું હતું. મંદિરના પૂજારીની ઉપસ્‍થિતિમાં મંત્રોચ્‍ચાર અને શાષોક્‍ત વિધિવિધાન સાથે બન્ને શ્રીયંત્રોનું પ્રતિષ્ઠાપન થયું હતું. 

બનાસકાંઠાના જિલ્‍લા-કલેક્‍ટર અને અંબાજી ટ્રસ્‍ટના ચેરમેન મિહિર પટેલે કહ્યું હતું કે અંદાજિત ૭૦ કિલો વજનનું અને પંચધાતુમાંથી બનેલુ શ્રીયંત્ર વૈષ્‍ણોદેવી માતાનાં ચરણોમાં અર્પણ કરીને એનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્‍યું હતું. 

આ બન્ને યંત્રોનું નવરાત્રિના પ્રથમ દિવસે દક્ષિણ ભારતમાં આવેલા શ્રીશૃંગેરી શારદા પીઠમ્‌ ખાતે જગદ્ગુરુ શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્‍વામી દ્વારા વિધિવત્‌ પૂજન કરવામાં આવ્‍યું હતું. ઉત્તર ગુજરાતમાં આવેલું આદ્યશક્‍તિનું ધામ અંબાજી અને જમ્‍મુ-કાશ્‍મીરમાં આવેલું વૈષ્‍ણોદેવી ધામ અગણિત શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાનાં કેન્‍દ્રો છે. આ પહેલાં બન્ને શક્‍તિધામો વચ્‍ચે ભક્‍તિ અને સંસ્‍કૃતિનો સેતુ રચાયો છે.

(10:06 AM IST)