<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દેશના વીરો માટે મોટો આદરણીય નિર્ણય: ઈન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટી ભૂતપૂર્વ અગ્નિવીરોને ૨૦૦ થી વધુ કોર્સમાં આપશે ૧૦૦% ટ્યુશન ફી માફી!

ચાર વર્ષની દેશસેવા બાદ હવે ઉચ્ચ શિક્ષણ મેળવવું બનશે આસાન; યુનિવર્સિટી દ્વારા અગ્નિવીરો માટે કોઈ સીટ લિમિટ વિના ૧૦૦ ટકા ફી માફીની ઐતિહાસિક જાહેરાત.

ઈન્દોર, તા. ૦૮: દેશની રક્ષા માટે પોતાના જીવનના મહત્વના ચાર વર્ષ સમર્પિત કરનાર અગ્નિવીરો માટે મધ્યપ્રદેશની પ્રતિષ્ઠિત દેવી અહિલ્યા યુનિવર્સિટી (DAVV) એ એક અત્યંત સરાહનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા ભૂતપૂર્વ અગ્નિવીરોને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને ભવિષ્યમાં વધુ સારી રોજગારીની તકો પ્રાપ્ત કરવા માટે ૨૦૦ થી વધુ અભ્યાસક્રમોમાં ૧૦૦ ટકા ટ્યુશન ફી માફી આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સશસ્ત્ર દળોમાંથી નિવૃત્ત થઈને આવતા યુવાનોને પોતાના શૈક્ષણિક સ્વપ્નો પૂરા કરવામાં મોટો ટેકો મળશે.

 

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશ સિંઘાઈએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ફી માફી યોજના માટે વિદ્યાર્થીઓની સંખ્યા અંગે કોઈ મર્યાદા (કેપ) નક્કી કરવામાં આવી નથી. ચાર વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ પાત્ર ભૂતપૂર્વ અગ્નિવીરોને આ યોજનાનો લાભ મળશે. જોકે, સેવા દરમિયાન શિસ્તભંગના પગલાં કે બરતરફીનો સામનો કરનાર વ્યક્તિ આ યોજના માટે લાયક રહેશે નહીં. VC ડૉ. સિંઘાઈએ ભારપૂર્વક કહ્યું કે, દેશનું રક્ષણ કરનારા આ યુવાનો સેનામાં ચાર સુવર્ણ વર્ષો આપવાને કારણે અભ્યાસથી વંચિત રહી જાય છે, જેથી તેઓ સેનામાંથી બહાર આવ્યા બાદ નવું જીવન શરૂ કરી શકે તે હેતુથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ નિર્ણય લીધો છે.

 

ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી આગામી સમયમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે પ્રવેશ પ્રક્રિયામાં ખાસ અનામત (રિઝર્વેશન) આપવા અને તેમના માટે ખાસ તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમો શરૂ કરવા પર પણ વિચારણા કરી રહી છે. નોંધનીય છે કે, ૧૯૬૪માં સ્થાપિત આ સરકારી યુનિવર્સિટી હાલમાં પણ ત્રણેય સેનાના સેવારત જવાનોના બાળકોને ૫૦ ટકા ફી રાહત આપે છે, જ્યારે શહીદો અને નિવૃત્ત સૈનિકોના બાળકોને ૧૦૦ ટકા ટ્યુશન ફી માફી આપવામાં આવે છે. હવે તેમાં ભૂતપૂર્વ અગ્નિવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

(5:09 PM IST)