<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મીરઝાપુરમાં કાળમુખા ટ્રકે બોલેરો અને કારને હડફેટે લેતા ભીષણ અકસ્માત : આગમાં ૮ લોકો જીવતા ભૂંજાયા : કુલ ૯ ના કમકમાટીભર્યા મોત

રીવા-વારાણસી નેશનલ હાઈવે પર ડ્રમંડગંજ ઘાટીમાં ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો પ્રલય : મધ્યપ્રદેશના મૈહરથી દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બોલેરો ભડભડ સળગી ઉઠતા માસૂમ બાળકો અને મહિલાઓ હોમાયા

મીરઝાપુર:ઉત્તર પ્રદેશના મીરઝાપુરમાં વારાણસી-રીવા નેશનલ હાઈવે પર બુધવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડ્રમંડગંજ ઘાટીના ઢોળાવ પર બ્રેક ફેલ થઈ જવાથી એક બેકાબૂ ટ્રકે બોલેરો અને સ્વિફ્ટ ડિઝાયર કાર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો ગાડી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને જોતજોતામાં તેમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગમાં બોલેરોમાં સવાર ૮ લોકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે અન્ય એક કાર ચાલકનું પણ મોત નીપજ્યું હતું.

 

ઘટનાનો ઘટનાક્રમ:

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે નવ વાગ્યાના સુમારે મધ્યપ્રદેશ તરફથી ચણા ભરીને આવી રહેલા એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ઢોળાવ પર ટ્રક બેકાબૂ બનતા તેણે સૌથી પહેલા આગળ ચાલી રહેલા કન્ટેનરને ટક્કર મારી હતી અને ત્યારબાદ બોલેરો અને સ્વિફ્ટ ડિઝાયર કારને કચડી નાખી હતી. બોલેરોમાં આગ લાગવાને કારણે અંદર સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. મૃતકોમાં ચાર પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાર ચાલક જય પ્રકાશ (રહે. સોનભદ્ર) નું પણ અકસ્માતમાં મોત થયું હતું.

 

શ્રદ્ધાળુઓ માટે કાળ સાબિત થયો અકસ્માત:

બોલેરો ગાડી જિગ્નાના રામપુર હંસવાર શ્રીનિવાસધામની હોવાનું જાણવા મળ્યું છે. તેમાં સવાર તમામ લોકો મધ્યપ્રદેશના મૈહર ખાતે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા જ એસપી અપર્ણા રજત કૌશિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અનેક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

બચાવ કામગીરીમાં વિલંબ:

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘટનાના આશરે બે કલાક બાદ ફાયર બ્રિગેડની ગાડી પહોંચી હતી, ત્યાં સુધીમાં બોલેરોમાં સવાર તમામ લોકો અને વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. કારની હાલત પણ એટલી ખરાબ થઈ ગઈ હતી કે શરૂઆતમાં મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

(11:10 PM IST)