તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
આર્મીના શૂરવીર 'પેરા એસએફ' કમાન્ડોની જિંદગી સામે કારમી જંગ: ગંભીર સ્ટ્રોક બાદ 'લોક્ડ-ઈન સિંડ્રોમ'નો ભોગ બનેલા કર્નલ અનુરાગ ઉપાધ્યાય માટે પરિવારની ભાવુક અપીલ!
CAT માં ૯૯ પર્સેન્ટાઇલ લાવવા છતાં દેશસેવા પસંદ કરનાર દેશના જવાન બે પગ ગુમાવ્યા બાદ પણ મનોબળ સાથે લડી રહ્યા છે; આંખોના ઇશારે સંવાદ કરી રહેલા યોદ્ધા માટે એડવાન્સ્ડ મેડિકલ હેલ્પની માગ

નવી દિલ્હી : જેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વિના ચુનંદા 'પેરા સ્પેશિયલ ફોર્સીસ' (Para SF) માં સેવા આપી, તેવા ભારતીય સેનાના ભૂતપૂર્વ અફસર કર્નલ અનુરાગ ઉપાધ્યાય આજે પોતાના જીવનની સૌથી કપરી લડાઈ લડી રહ્યા છે. કોમન એડમિશન ટેસ્ટ (CAT) માં ૯૯ પર્સેન્ટાઈલ મેળવીને કોર્પોરેટ ક્ષેત્રની કરોડોની કારકિર્દી છોડી દેશસેવા પસંદ કરનાર આ વિર જવાન ઓગસ્ટ ૨૦૨૫ માં આવેલા ગંભીર બ્રેઈન સ્ટ્રોક બાદ 'લોક્ડ-ઈન સિંડ્રોમ' (Locked-in Syndrome) નામની દુર્લભ અને ભયાનક ન્યુરોલોજીકલ સ્થિતિથી પીડાઈ રહ્યા છે.
બંને પગ ગુમાવ્યા, છતાં આંખોના ઇશારે વ્યક્ત કરે છે વિચારો:
પેરા એસએફની ૩ PARA અને ૧૨ PARA જેવી રેજિમેન્ટમાં સેવા આપી ચૂકેલા કર્નલ ઉપાધ્યાયે ૨૦૦૮ માં હાર્ટ એટેક આવ્યા બાદ પણ હિંમત ન હારીને સેનામાં વાપસી કરી હતી. પરંતુ તાજેતરમાં આવેલા સ્ટ્રોકના કારણે તેમનું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તબીબી જટિલતાઓને કારણે તેમના બંને પગ ઘૂંટણ નીચેથી કાપવા પડ્યા છે. આમ છતાં, તેમનું મગજ સક્રિય છે અને તેઓ આંખોની હલચલ દ્વારા સ્પેશિયલ આલ્ફાબેટિક સ્કેનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પરિવાર સાથે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.
પરિવારે માંગી વિશેષ ન્યુરો-પુનર્વસન સહાય:
કર્નલ ઉપાધ્યાયના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર સહાનુભૂતિ નથી ઈચ્છતા, પરંતુ પોતાના આ શૂરવીર યોદ્ધાને પુનઃ પગભર કરવા માટે આધુનિક તબીબી સહાય અને નિષ્ણાતોની મદદ માંગે છે. જાણીતા મહિલા ઉદ્યોગસાહસિક શ્રદ્ધા શર્મા સહિત અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર અપીલ શેર કરી છે. પરિવાર ભારત અને વિદેશના એવા ન્યુરોલોજિસ્ટ્સ, ન્યુરો-રિહેબિલિટેશન નિષ્ણાતો તેમજ 'બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ' અને 'આઈ-ટ્રેકિંગ સિસ્ટમ' જેવી એડવાન્સ્ડ ટેકનોલોજી ધરાવતી સંસ્થાઓનો સંપર્ક કરવા માંગે છે જે કર્નલ અનુરાગને સ્વતંત્ર જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
