<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

કાયદાના શિક્ષણમાં ક્રાંતિકારી બદલાવની હાકલ: "AI પર પ્રતિબંધ ન મૂકો, પરંતુ વિદ્યાર્થીઓને તેનો જવાબદાર ઉપયોગ કરતા શીખવો" : CJI સૂર્યકાન્ત

ગ્રેજ્યુએશન માટે 'લીગલ એઇડ' કાર્ય ફરજિયાત બનાવવા અને AI-ડિટેક્શન સોફ્ટવેરને બદલે મૌખિક મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની સાચી સમજણ ચકાસવા પર મૂક્યો ભાર

હૈદરાબાદ:  દેશની ન્યાયપ્રણાલીના ભવિષ્ય સમાન કાયદાના વિદ્યાર્થીઓને આધુનિક યુગના પડકારો માટે સજ્જ કરવા ભારતના મુખ્ય ન્યાયાધીશ  સૂર્યકાન્તે કાયદાકીય શિક્ષણમાં મોટા સુધારાની હિમાયત કરી છે. હૈદરાબાદમાં 'કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન'  દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ પરની પ્રથમ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદ ૨૦૨૬ના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, કાયદાનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકોના ગોખણપટ્ટી સુધી સીમિત ન રહેવું જોઈએ. તેમણે કાયદા શાળાઓને  સ્પષ્ટ સલાહ આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે વિદ્યાર્થીઓને તેનો વિવેકપૂર્ણ અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરતા શીખવવું જોઈએ, જેથી ભવિષ્યના વકીલો અને ન્યાયાધીશો ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે માનવીય સમજણ અને સ્વતંત્ર નિર્ણયશક્તિ જાળવી શકે.

AI ના આડેધડ ઉપયોગ અને સંપૂર્ણ પ્રતિબંધ—બંને અંતિમોનો વિરોધ કરતા CJI સૂર્યકાન્તે મહત્વપૂર્ણ સૂચન કર્યું કે વિદ્યાર્થીઓ કાનૂની સંશોધનમાં AI ની મદદ જરૂર લે, પરંતુ તેના દ્વારા મળતી માહિતીની પ્રાથમિક અને અધિકૃત સ્ત્રોતો સાથે ચકાસણી કરવી અનિવાર્ય છે. તેમણે શૈક્ષણિક ગેરરીતિ પકડવા માટે માત્ર 'AI-ડિટેક્શન સોફ્ટવેર' પર આધાર રાખવા સામે ચેતવણી આપતા કહ્યું કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મૌખિક મૂલ્યાંકન કરવું જોઈએ અને તેમણે રજૂ કરેલા કાનૂની તર્કોનો બચાવ કરવા કહેવું જોઈએ. આ ઉપરાંત, તેમણે કોમનવેલ્થ દેશોની કાયદા શાળાઓ અને જર્નલ્સ માટે AI ના નૈતિક ઉપયોગ અંગે એક સર્વસામાન્ય 'મોડેલ માર્ગદર્શિકા' તૈયાર કરવા  ને ખાસ અનુરોધ પણ કર્યો હતો.

વર્ગખંડના શિક્ષણને વાસ્તવિક અદાલતી કાર્યવાહી સાથે જોડવા માટે એ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવા માટે 'કાનૂની સહાય કાર્ય' ને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે સૂચવ્યું કે નિર્ધારિત સમય કરતાં વધુ કાનૂની સહાયનું કામ કરતા વિદ્યાર્થીઓને વધારાના શૈક્ષણિક ક્રેડિટ  આપવા જોઈએ, જેથી સમાજના વંચિત વર્ગોને ન્યાય અપાવવામાં તેમની ભાગીદારી વધે. પુરાવા કાયદો, ફોજદારી પ્રક્રિયા, કૌટુંબિક અને બંધારણીય કાયદા જેવા મુખ્ય વિષયોમાં ક્લિનિકલ શિક્ષણ અને પેરાલીગલ સ્વયંસેવકો સાથેના વ્યવહારુ અનુભવને વણી લેવાથી જ દેશને વધુ સંવેદનશીલ અને કુશળ કાનૂની નિષ્ણાતો મળી શકશે.

(6:46 PM IST)