<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં ચાલતી કાર રમકડાની જેમ સળગી: ધુમાડાના ગોટેગોટા વચ્ચે જીવ બચાવવા ગાડીઓ મૂકીને ભાગ્યા ડરેલા મુસાફરો!

"ચારેય બાજુ અફરાતફરી અને ગભરાટ": ટનલની અંદર ધુમાડો ભરાતા વાહનચાલકોએ રોંગ સાઇડ યુ-ટર્ન લીધા, કટોકટી વચ્ચે લોકો પગપાળા ભાગતા હોવાના રૂંવાડા ઉભા કરી દેતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

મુંબઈ : આર્થિક પાટનગર મુંબઈની શાન ગણાતા કોસ્ટલ રોડ ટનલમાંથી આજે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયધબકારો વધારી દેનારી ઘટના સામે આવી છે. બુધવારે બપોરે હાજી અલીથી વરલી તરફ જતા માર્ગ પર ટનલની અંદર એક ચાલતી લક્ઝરી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ટનલ કાળા ડામર જેવા ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેને કારણે સુરંગની અંદર સફર કરી રહેલા સેંકડો વાહનચાલકોમાં ભારે ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી.

બપોરે આશરે ૧૨:૨૫ વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) ના કંટ્રોલ રૂમને આ આપત્તિની જાણ થઈ હતી. ટનલની અંદર આગ લાગવાના અહેવાલ મળતા જ ફાયર ફાઈટર્સની ગાડીઓ, સ્થાનિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ટનલની અંદરથી સામે આવેલા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે ગૂંગળામણ અને ડરના કારણે લોકો પોતાની કરોડોની કાર રસ્તા પર જ બિનવારસી હાલતમાં છોડીને સુરક્ષિત એક્ઝિટ (બહાર નીકળવાના માર્ગ) તરફ જીવ બચાવવા પગપાળા દોડી રહ્યા હતા. જ્યારે પાછળ આવી રહેલા અન્ય વાહનો ધુમાડાની લપેટમાં ન આવી જાય તે માટે ઉતાવળમાં રોંગ સાઇડ પર જ યુ-ટર્ન લેતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ભયાનક અનુભવ શેર કરતા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "અમે વરલીથી ટનલમાં પ્રવેશ્યા જ હતા ત્યાં અચાનક સામેથી ડરેલા લોકોનો મોટો સમૂહ અમારી તરફ દોડતો આવ્યો. જ્યારે અમે પૂછ્યું તો ખબર પડી કે આગળ ભીષણ આગ લાગી છે. લોકો એટલા ગભરાઈ ગયા હતા કે રસ્તા વચ્ચે જ વાહનો થોભાવી દીધા, જેના કારણે ટનલની અંદર મોટો ટ્રાફિક જામ થઈ ગયો અને પાછળના વાહનો ફસાઈ ગયા." આ યુઝરે મુંબઈ જેવા મેટ્રો સિટીની આટલી પ્રતિષ્ઠિત ટનલમાં અગ્નિશામક સુરક્ષા અને કટોકટીના સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ કયા ટેકનિકલ કારણોસર કે શોર્ટ સર્કિટના લીધે લાગી તેની વિગતવાર તપાસ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.

(8:20 PM IST)