News of Thursday, 3rd September 2026
બાળક સંજોગોનો ભોગ બને છે, તેને ગુનેગાર ન માની શકાયઃ સુપ્રીમ કોર્ટ
જુવેનાઇલ એક્ટ હેઠળ મળતા કાયદાકીય રક્ષણથી વંચિત ન રાખી શકાય

નવી દિલ્હી તા.૩: ગુનાના સમયે સગીર રહેલા એક વ્યક્તિની ૨૦ વર્ષ જૂની સજાને રદ કરતા સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બાળકને ક્યારેય ગુનેગાર તરીકે જોવું જોઈએ નહીં તથા કાયદાકીય પ્રક્રિયા કે ટેકનિકલ બંધનોને આધારે કોઈ કિશોરને કાયદા હેઠળ મળતા અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. બાળક ઘણી વખત સંજોગોનો ભોગ બને છે તથા સામાજિક-આર્થિક, માનસિક સ્થિતિને કારણે ગુનાની દુનિયામાં ખેંચાઈ શકે છે.
ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની ખંઠપીઠે જણાવ્યું હતું કે કિશોરોને કાયમી ધોરણે કલંક્તિ કરવાને બદલે તેમને સમાજના મુખ્યપ્રવાહમાં ફરી સામેલ કરવાની જવાબદારી સરકારની છે. સગીરોને મળતા કાયદાકીય રક્ષણ અંગેની જાણકારીનો અભાવ ગંભીર ચિતાનો વિષય છે. કોર્ટમાં સગીર હોવાનો દાવો કરતા કેસોની સંખ્યા વધી રહી છે, જે દર્શાવે છે કે સંબંધિત અધિકારીઓ અને અન્ય હિતધારકોમાં કાયદાની સમજણમાં મોટો તફાવત છે.
મહાવીર ઉર્ફે અવિનાશની સજા રદ કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પુરાવા નષ્ટ કરવાના આરોપમાં તેને થયેલી સજા ખામીયુક્ત અને કાયદાકીય રીતે ટકી શકે તેવી નથી.
આ મામલો સપ્ટેમ્બર ૨૦૦૪નો છે. મધ્યપ્રદેશના મોરેનામાં રેલવે ટ્રેક પર ભુરી નામની મહિલા અને તેની નવજાત પુત્રીના મૃતદેહ મળ્યા પછી ગુનો નોંધાયો હતો.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
