હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરણ ૩ના વિદ્યાર્થીએ KGમાં ભણતી બાળકીનું કુંડા-પથ્થરોથી માથું છુંદી નાખ્યું
બેભાન થયા પછી પણ ઢસડતો રહ્યોઃ શ્વાસ થંભાવતી ઘટના : હરિયાણાના પંચકુલામાં આવેલી સંસ્કૃતિ મોડેલ સ્કૂલમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી

પંચકુલા,તા.૩૧: હરિયાણામાંથી એક અત્યંત ભયાનક અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સેક્ટર-૨૦માં આવેલી સંસ્કૃતિ મોડેલ સ્કૂલની અંદર ધોરણ ૩માં ભણતા એક વિદ્યાર્થીએ ધ્ઞ્માં અભ્યાસ કરતી સ્પેશિયલ ચાઈલ્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી વિદ્યાર્થીએ માસૂમ બાળકી પર પથ્થરો અને કુંડાથી અનેક વાર પ્રહાર કર્યા હતા. અચાનક થયેલા આ હુમલાથી શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકી જમીન પર પડી ગઈ, તેમ છતાં હુમલાખોર વિદ્યાર્થી અટક્યો નહોતો. તે માસૂમ બાળકીને દૂર સુધી ઢસડતો રહ્યો અને તેના પર સતત હુમલો કરતો રહ્યો હતો. બાળકી બેભાન થઈ જતાં ઉતાવળે તેને નાગરિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેની અત્યંત નાજુક હાલતને ધ્યાનમાં રાખીને તેને ચંડીગઢની PGI હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પંચકુલાના સેક્ટર-૨૦માં આવેલી સંસ્કૃતિ મોડેલ સ્કૂલમાં સામાન્ય દિવસોની જેમ અભ્યાસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન શાળાના પરિસરમાં જ ધોરણ ૩માં ભણતા એક વિદ્યાર્થીએ ધ્ઞ્માં અભ્યાસ કરતી વિશેષ જરૂરિયાતો ધરાવતી બાળકીને નિશાન બનાવી હતી. ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ અચાનક નજીકમાં પડેલા ભારે પથ્થરોથી બાળકી પર હુમલો શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ તેણે પરિસરમાં રાખેલો એક ભારે કૂંડો ઉઠાવીને માસૂમ બાળકી પર ફેંક્યો હતો.
ભયાનક હુમલામાં બાળકી લોહીલુહાણ થઈને જમીન પર પડી ગઈ હતી. જોકે, આરોપી વિદ્યાર્થીનો ગુસ્સો અહીં શાંત થયો નહોતો. તે ઘાયલ બાળકીને લાંબા સમય સુધી જમીન પર ઘસડતો રહ્યો હતો. બાળકી પીડાને કારણે બેભાન થઈ ગઈ હતી, તેમ છતાં તેના પર પથ્થરોથી હુમલો ચાલુ રાખ્યો હતો.
ઘટના બાદ તરત જ શાળાના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ અને બેભાન બાળકીને તાત્કાલિક સેક્ટર-૬ની નાગરિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોક્ટરોની ટીમે ઇમરજન્સીમાં બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. માથા અને શરીરના અન્ય ભાગોમાં ઊંડી ઈજાઓ થવાને કારણે તેની હાલત સતત બગડતી ગઈ હતી.
ડોક્ટરોએ સ્થિતિ અત્યંત નાજુક ગણાવીને તેને તાત્કાલિક ચંડીગઢની PGI હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. PGIમાં વિશેષ તબીબી ટીમની દેખરેખ હેઠળ બાળકીની સઘન સારવાર ચાલી રહી છે. બાળકીનાં પરિવારજનોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે અને તેઓ પોતાની દીકરીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સેક્ટર-૨૦ પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ કાફલા સાથે સંસ્કૃતિ મોડેલ સ્કૂલ પહોંચ્યા હતા. પોલીસની ટીમે સૌથી પહેલાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલીસ અધિકારીઓએ શાળાના સંચાલકો અને હાજર શિક્ષકો પાસેથી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. આટલી નાની ઉંમરના વિદ્યાર્થીએ આવું હિસક પગલું શા માટે ભર્યું, તે જાણવાનો પ્રયાસ કરવા માટે પોલીસ આરોપી બાળકનાં માતા-પિતાની પણ પૂછપરછ કરી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
